- કોરોના કાળના બીજા વર્ષે પણ ગાઈડલાઈન સાથે નવરોઝની ઉજવણી
- પારસીઓએ પવિત્ર આતસ બહેરામને સુખડના લાકડા અર્પણ કર્યા
- 10 દિવસ શોકના મનાવી, પ્રાયશ્ચિત કરી નવરોઝની આપી મુબારકબાદી
નવસારી : હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠે આવી પારસીઓ અહીં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયા. જેમાં ઇરાનના સારી જેવું શહેર લાગતા પારસીઓ નવસારીમાં વસ્યા અને પોતાનું બનાવ્યુ. ઇરાનથી લાવેલા પાક આરસ બહેરામ (અગ્નિદેવ) ને નવસારીમાં અગિયારી બનાવી ઘણા વર્ષો સુધી સાચવ્યો હતો. એજ ઐતિહાસિક અગિયારીમાં આજે પારસીઓ પવિત્ર આતસ બહેરામને સુખડ અર્પણ કરી, પ્રાર્થના કરી હતી. આજે નવરોઝના દિને પારસીઓએ મોટી સંખ્યામાં અગિયારી બહારથી સુખડના લાકડાના ટૂકડા લઈ પવિત્ર અગ્નિને અર્પણ કર્યા હતા.
આ પણ વાંચો- પારસી લોકોનું નવું વર્ષ પતેતી, નવસારીના પારસીઓએ સાદાઈથી ઉજવ્યું નવરોઝ
10 દિવસના મુક્તાદ બાદ પ્રાયશ્ચિત કરી નવરોઝ ઉજવ્યો
હજારો વર્ષોની પરંપરા અનુસાર પારસી કેલેન્ડરના અંતિમ મહિનાના અંતિમ 10 દિવસ મુક્તાદના એટલે પૂર્વજોને યાદ કરવાના દિવસો બાદ પારસીઓ પ્રાયશ્ચિત માટે પતેતી ઉજવે છે. ત્યાર બાદ આજે 1,391માં નવા વર્ષે પણ કોરોના કાળને કારણે પારસીઓએ સાદાઈથી નવરોઝની ઉજવણી કરી હતી. જેમાં નવસારી શહેરના તરોટા બજાર સ્થિત 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં આવી પાક આતસ બહેરામને પુષ્પ, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહૂતિ આપી કોરોના મહામારીથી વિશ્વને બચાવવા પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે નવરોઝની મુબારકબાદી આપી હતી.