નવસારી : સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટે જે નિયમ બનાવવામાં આવ્યો છે તેનો ચાર્જ 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આટલો મોટો 1000 રૂપિયાનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને પોસાય તેવો નથી. આ રજૂઆતને લઇને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વિરોધ રેલી યોજી હતી. આ રેલી વાંસદા મામલતદાર કચેરી પહોંચી હતી અને લિંક અપ ચાર્જ રદ કરવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આર્થિક બોજ વધે છે : આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક માટે જે 1000 રૂપિયાનો ચાર્જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇ ગરીબ અને આદિવાસી પ્રજા ઉપર આર્થિક બોજ વધે છે. તેથી કારમી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ભીંસમાં મૂકાય તેમ છે. ત્યારે આ પ્રકારનો ચાર્જ રદ કરવાની માગ સાથે વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી યોજાઇ હતી. વિરોધ રેલીને મામલતદાર કચેરીએ લઇ જવાઇ હતી જ્યાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો PAN Aadhaar Link : જો PAN અને આધાર લિંક નહીં થાય તો આ મહત્વપૂર્ણ કામ અટકી જશે
સમય મર્યાદા વધારી છે : કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ સુધી રાખી હતી અને ત્યારબાદ જો આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક નહીં થાય તો રુપિયા 1,000 નો ચાર્જ ચૂકવવાનો સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ સરકાર દ્વારા ફરી આ નિયમમાં ફેરફાર કરી આધાર અને પાનકાર્ડ લિંક કરવાની તારીખ 30 માર્ચથી વધારીને જૂન સુધી લંબાવવામાં આવી છે. પરંતુ આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક ન થાય તો એનો દંડ હજાર રૂપિયા યથાવત રાખ્યા છે. જેથી આ નિયમનો વિરોધ અનેક લોકો કરી રહ્યા છે અને આ નિયમને વહેલી તકે સરકાર દ્વારા રદ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.
દંડની રકમ પાછી ખેંચવા માગ : વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકો છે ત્યારે અહીંના મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે ત્યારે હાલમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવા માટે જે 1000 રૂપિયાનો ચાર્જ લેવાય એ ચાર્જ આ ગરીબ આદિવાસી પ્રજાને પોસાય તેમ નથી. જેને લઇ આજરોજ વાસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી વાંસદા સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધી યોજવામાં આવી હતી. આ પ્રસંગે વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વાંસદા મામલતદારને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકનો જે દંડ છે એ પાછો ખેંચવામાં આવે તેવી જ માંગ કરવામાં આવી છે.
ધારાસભ્ય અનંત પટેલની માગણી : આ મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક ન થાય તો દંડના 1,000 ચાર્જ લેવામાં આવે છે તેને અહીંની આદિવાસી ગરીબ પ્રજાને પોસાઈ શકતું તેમ નથી જેથી રદ કરવામાં આવે. તે માટે અમે આજે મોટી સંખ્યામાં રેલી યોજી વાંસદા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જલ્દીથી જલ્દી અમારી માંગ પૂરી કરવામાં આવે.