- હાઈ-વેને બદલે ગ્રામ્ય રસ્તાઓથી વિદેશી દારૂની હેર-ફેરી
- ટેમ્પોનું પાયલોટિંગ કરતી કાર ઘટનાસ્થળેથી ફરાર
- પોલીસે પાલડીના બુટલેગર સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : ચુંટણી નજીક આવતા જ વિદેશી દારૂની હેરાફેરી વધી જતી હોય છે. જેમાં પણ પોલીસથી બચવા બુટલેગરો રસ્તાઓ બદલતા રહે છે. હાઈ-વેને બદલે ગ્રામ્ય રસ્તાઓથી થઈને વિદેશી દારૂની હેરાફેરીને નવસારી L.C.B. પોલીસે નાકામ બનાવી છે. પોલીસે ચીખલીના ખુડવેલ ચાર રસ્તા નજીકથી 1.27 લાખનો વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. ટેમ્પોનું પાયલોટિંગ કરતી કારમ સવાર બુટલેગર સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ખુડવેલ ચોકડી પાસેથી દારૂ ભરેલો ટેમ્પો પકડ્યો
નવસારી L.C.B. પોલીસની ટીમ બુધવારે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ટેમ્પો ગામડાના આંતરિક માર્ગેથી પસાર થઈ સુરત તરફ જઇ રહયો છે. તેની આગળ એક લાલ રંગની કાર પાયલોટિંગ કરી રહી છે. જે બાતમીને આધારે પોલીસે ચીખલીના ખુડવેલ ચાર રસ્તા નજીક ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી લાલ રંગની કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે પોલીસને જોઈ કાર સ્પીડમાં ભગાવી દીધી હતી. જ્યારે પાછળથી આવતા ટેમ્પોને અટકાવવામાં પોલીસ સફળ થઈ હતી.
4.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસની તપાસમાં ટેમ્પોની કેબિનમાં સીટ નીચે તેમજ પાછળ પુઠાના બોક્સમાં ભરેલી 1.27લાખ રૂપિયાની વિદેશી દારૂની 1,067 બાટલીઓ મળી આવી હતી. પોલીસે ટેમ્પો ચાલક અને વલસાડ જિલ્લાના પાલડી તાલુકાના સોનવાડા ગામે રહેતા વિવેક ગણપતભાઈ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે આરોપીની પૂછપરછમાં પાયલોટિંગ કરતી કારમાં વલસાડના પાલડી તાલુકાના પરિયા ગામનો બુટલેગર વિમલ પટેલ અને સામરપાડાનો રાકેશ પટેલ સવાર હતા. દારૂનો જથ્થો પણ વિમલ પટેલે અન્ય એક સાગરીત સાથે મળીને ભરાવી આપ્યો હતો. પોલીસે બુટલેગર વિમલ સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા. વિદેશી દારૂ, 3 લાખ રૂપિયાનો ટેમ્પો અને 5 હજારના મોબાઈલ ફોન સાથે કુલ 4.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી છે.