- ચાની લારી સાથે કાર અથડાઈને પલટી ગઈ
- ચાની લારી પાસે મુકેલ એક્ટિવાનો પણ નીકળ્યો કચ્ચરઘાણ
- મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
નવસારી: નવસારીના કાલિયાવાડી ચાર રસ્તા પાસે આજે સાંજે દશેરા ટેકરી જવાનો ટેકરો ઉતરતા શિખાઉ કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં ચાની લારી સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર લારી સાથે અથડાઈને પલટી ગઈ હતી, જ્યારે ચાની લારીને નુકસાન થવા સાથે જ લારી ચલાવતી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. લારી પાસે ઉભેલી એક્ટિવાનો પણ અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે લોકોએ ઘટના સ્થળેથી કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.
![કાલિયાવાડી ચાર રસ્તા પાસે શિખાઉ કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ચાની લારીમાં અથડાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-car-accident-photo-gj10031_07032021194338_0703f_1615126418_126.jpg)
શિખાઉ કાર ચાલકની નવસારી ટાઉન પોલીસે કરી ધરપકડ
નવસારીના કબીલપોરની આનંદ વાટિકા સોસાયટીમાં રહેતા પરેશ બાલુભાઈ મિસ્ત્રી નવસારીની એક ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલના ટ્રેનર સુરેશ સાથે કાર શીખી રહ્યા હતા. દરમિયાન સાંજે 4 વાગ્યે તેઓ નવસારીના કાલિયાવાડી ચાર રસ્તા પાસે પ્રાંત કચેરીથી દશેરા ટેકરી તરફ જવાનો ટેકરો ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને જોરમાં એક્સીલેટર આપતા કાર તેજ ગતિએ રસ્તાના કિનારે ઉભેલી ચાની લારીમાં ધડાકાભેર અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી.
![શિખાઉ કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ચાની લારીમાં અથડાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-car-accident-photo-gj10031_07032021194338_0703f_1615126418_1010.jpg)
આ પણ વાંચો: બારડોલી- નવસારી રોડ પર ડભોઇ ખાડીના જર્જરિત પુલ પરથી ડમ્પર 40 ફૂટ નીચે પડ્યું
મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
જ્યારે લારી ચલાવતી વૈશાલી રાઠોડ (25)ઈજાગ્રસ્ત થઈ હતી. જેને માથામાં ઘા જણાતા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક અને તેની સાથેના ટ્રેનરને ઘટના સ્થળે ભેગી થયેલી ભીડે કારમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે લારી પાસે મુકેલી એક્ટિવા પણ અકસ્માતનો ભોગ બનતા, તેનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી નવસારી ટાઉન પોલીસે અકસ્માત કરનાર પરેશ મિસ્ત્રીની અટક કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વિજાપુરમાં બેકાબુ કાર વીજપોલ સાથે અથડાઈ, કાર બળીને ખાખ