- શહેરના રેડીમેડ, હોઝિયરી, ફૂટવેર વગેરે એસોસિએશને વેપારમાં છૂટ આપવાની કરી રજૂઆત
- જાહેરનામામાં 19 ધંધાને આપવામાં આવી છે મુક્તિ
- નવસારી-વિજલપોર શહેર છોડીને જિલ્લામાં બપોરે બે વાગ્યા સુધી બજારો રહે છે ખુલ્લા
નવસારી : વિજલપોર શહેરમાં ગુરુવારથી વધુ એક અઠવાડિયા માટે આંશિક લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. પરંતુ એમાં પણ 19 ધંધાઓને છૂટ આપવામાં આવી છે. જેથી ઘણા દુકાનદારો દ્વારા યેનકેન પ્રકારે પોતાની દુકાનો ચાલુ રાખવામાં આવે છે, ત્યારે શહેરના રેડીમેડ, હોઝિયરી, ફૂટવેર, જ્વેલર્સ સહિતના વિવિધ એસોસિયેશનના દુકાનદારો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી દુકાનો બપોર સુધી ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી.
વેપારીઓ કરી રહ્યા છે પાછલા બારણે ધંધો
વિજલપોર શહેરમાં કોરોનાની સાંકળને તોડવા શહેરમાં લોકડાઉન લગાવવા માટે માંગ ઉઠી હતી. જોકે શહેરમાં વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકાર દ્વારા ગત 28 એપ્રિલ થી રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લગાવવા સાથે આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેમાં આવશ્યક ચીજ વસ્તુઓ સહિત 19 ધંધાઓને છૂટ આપવામાં આવી છે, પરંતુ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય પણ ફરસાણ, નાસ્તા, આઈસક્રીમ, મીઠાઈ વગેરેની દુકાનો ચાલુ રહી છે. જ્યારે ઘણા દુકાનદારો પાછલા બારણેથી વેપાર કરી રહ્યા છે.

વેપારીઓના હાલત કફોડી
સરકાર દ્વારા આંશિક લોકડાઉન લગાવવા પૂર્વે પણ નવસારી-વિજલપોર પાલિકા દ્વારા લગાવવામાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન પણ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. કોરોનાના કપરા કાળમાં આર્થિક બોજ સહન કરતા રેડીમેડ, હોઝિયરી, ફૂટવેર, જ્વેલર્સ સહિતના વિવિધ એસોસિયેશનના દુકાનદારોએ ગુરુવારે ભેગા થઈ નવસારી જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં લાંબા સમયથી લોકડાઉનનો માર સહન કરી રહેલા દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી બનવા જઈ રહી છે. દુકાનોના ભાડા, લોનના હપ્તા, દુકાનમાં કામ કરતા માણસોના પગાર ચાલુ છે અને દુકાનો બંધ છે. તંત્રની એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિના કારણે શહેરના મોટાભાગના દુકાનદારોએ આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે. જ્યારે કોરોનાની ચેન તોડવા માટે લગાવવામાં આવેલા આંશિક લોકડાઉનમાં પણ શહેરમાં ભીડ ઓછી થતી નથી અને કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે. તો કોરોના ગાઈડલાઈનના પાલન સાથે બજારની તમામ દુકાનોને બપોરે 2 અથવા 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવે એવી માંગણી કરી હતી. જોકે વેપારીઓને કલેકટર પાસેથી નિરાશા જ સાંપડી હતી.
આ પણ વાંચો : નવસારી કોરોના અપડેટ: 216 કોરોના પોઝિટિવ નોંધાયા
વેપારીઓ થયા નિરાશ
નવસારી વિજલપોર શહેરમાં લાંબા સમયથી દુકાનો બંધ રહેતા વિવિધ વેપારી એસોસિએશનના દુકાનદારો ગુરુવારે કલેકટર પાસે સવારથી બપોર સુધી દુકાનો ચાલુ રાખવાની મંજૂરી મળે એ આશાએ પહોંચ્યા હતા. પરંતુ હંમેશની જેમ જિલ્લા કલેકટરના અંગત મદદનીશ દિવાકર બધેકા દ્વારા રજૂઆત કરવા આવેલા વેપારીઓને અધિક કલેકટરનો દરવાજો બતાવ્યો હતો. પરંતુ એ પૂર્વે અંગત મદદનીશ બધેકાએ વેપારીઓને જણાવ્યું કે કલેક્ટરનું કામ નોટિફિકેશન બહાર પાડવાનું છે, જ્યારે તેનું પાલન કરાવવાનું કામ પોલીસ વિભાગનું છે. જેથી દુકાનો ચાલુ રહેતી હોય કે સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તો એની રજૂઆત જિલ્લા પોલીસ અધિક્ષકને કરવી. એમાં કલેકટર શું કરી શકે ? જેથી કલેક્ટર પાસે આશા લઈને પહોંચેલા વેપારીઓ નિરાશ થયા હતા.
જિલ્લામાં બપોર સુધી બજારો, દુકાનો રહે છે ચાલુ
રાજ્ય સરકાર દ્વારા ફક્ત નવસારી-વિજલપોર શહેરમાં રાત્રી કરફ્યુ સાથે આંશિક લોકડાઉનના નિયંત્રણો લગાવવામાં આવ્યા છે.પરંતુ શહેરને છોડીને જિલ્લાના તમામ તાલુકાઓમાં બજારો અને દુકાનો બપોર સુધી ખુલ્લા રહે છે. જેને કારણે વેપારીઓને થોડી રાહત રહી છે. જેથી નવસારીમાં પણ બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે એવી માંગ નવસારીના વેપારીઓ કરી રહ્યા છે.