નવસારી : LCBને મોટી સફળતા મળી છે. 51 જેટલી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને LCB એ ઝડપી પાડી નવસારી જિલ્લાના જલાલપુર અને ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના વણઉકેલ્યા ગુનાને ડિટેક્ટ કર્યા છે. પકડાયેલા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના મળી કુલ 7,12,370 નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
25 મિનિટમાં હાથ ફેરો કરતો : પકડાયેલા આરોપીની ચોરી કરવાની ટેકનીક અન્ય ચોરો કરતાં સાવ અલગ હતી. આ ચોરને દિવસના ચોરી કરવામાં મહારત હાસિલ હતી. બપોરના સમયે મહિલાઓ પોતાના અન્ય કામો કે બાળકોને અભ્યાસ અર્થે ટ્યુશન ક્લાસી મૂકવા કે પુરુષો કોઈ અન્ય કામથી થોડા સમય માટે બહાર જાય ત્યારે જ આ સાતિર ચોર પોતાનો કસબ અજમાવતો હતો. બાઈક લઈને નીકળે સાથે એક મોટું ડિસ્મિસ રાખે, ફ્લેટ કે બંધ બંગલાને નિશાન બનાવી બપોરના સમયે તાળું તોડી ઘરમાં પ્રવેશી લોકરને તોડી માત્ર 25 મિનિટમાં હાથ સફાયો કરી નાસી જતો હતો. આ ચોર લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.
જુગાર રમવા ચોરી કરતો : LCBના પોલીસ કર્મચારી સંદીપભાઈ તેમજ અર્જુન પ્રભાકરને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, ગાંધી રેલવે ફાટક ઓવર બ્રિજના પશ્ચિમ અબ્રામા તરફ દક્ષિણ છેડે આરોપી પસાર થવાનો છે. જેને આધારે વોચ ગોઠવતા આરોપી જીમી ઉર્ફે દિપક બીપીન બાબુલાલ શર્મા આબાદ ઝડપાઈ ગયો હતો. પકડાયેલા આરોપીને જુગારનો શોખ હોય તે માત્ર જુગાર રમવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો. ચોરી કરી સીધો તે મુંબઈ દિલ્હી જેવા શહેરોમાં જઈ મોટા મોટા ક્લબમાં પૈસા ઉડાવતો હતો. પૈસા પુરા થયા બાદ ફરીવાર બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના ચોરી કરી પોતાનો મોજ શોખ પૂરો કરતો હતો.