નવસારી : સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે નાની ઉંમરના લોકોના મૃત્યુ આંકમાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે. જેમાં સામાન્ય ક્રિકેટ જેવી રમતના મેદાનમાં હોય કે લગ્ન પ્રસંગોમાં હોય આમ અચાનક આવતા હાર્ટ એટેકના કિસ્સાઓ ગુજરાતભરમાંથી સામે આવી રહ્યા છે, ત્યારે નવસારી એ.બી. સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી અને ડોક્ટર બનવાના સપના સાથે અભ્યાસમાં મંડેલી 17 વર્ષીય તનિષા ગાંધી આજે ઘરેથી હસી ખુશી શાળાએ તો ગઈ હતી, પરંતુ શાળાની રીસેસ દરમિયાન તે વિદ્યાર્થીની મિત્રો સાથે ત્રીજા માળેથી ચોથા માળે જતી વેળાએ અચાનક તેની તબિયત લથડી હતી.
17 વર્ષીય દીકરીનું અવસાન : તેણે તેની વિદ્યાર્થીની મિત્રએ પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તબિયત ખૂબ જ લથડતા તે દાદરના પેસેજમાં ઢળી પડી હતી. તેથી અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા તાત્કાલિક શિક્ષકોને બોલાવી લેવામાં આવતા શિક્ષકો દ્વારા તનિષાને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબો તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી. 17 વર્ષીય દીકરીનું અવસાન થતાં પરિવાર તેમજ શાળામાં શોકનો માહોલ છે.
વિદ્યાર્થીને શાળાની રીસેસ દરમિયાન ત્રીજા માળેથી ચોથા માળ પર જતી વેળાએ અચાનક તબિયત લથડતા તે ત્યાં જ ઘડી પડી હતી. સાથી મિત્રોએ શિક્ષક સ્ટાફને જાણ કરતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. જેથી શાળા પરિવાર શોકની લાગણી વ્યક્ત કરે છે. - અમૃત છાત્રોલા (એ.બી. શાળાના આચાર્ય)
દીકરીની માતાનું પણ અવસાન : 12 સાયન્સમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી ડોક્ટર બનવાના સપનાને સાકાર કરવા માટે અભ્યાસમાં પણ ખૂબ આગળ હતી. તેના પરિવારમાં માત્ર પિતા અને પુત્રી હતા. તેની માતાનું કોરોના કાળમાં મૃત્યુ થયું હતું અને તેના પિતાનો એકમાત્ર તનિષા સહારો હતો. પોતાની એકની એક દીકરીનું અકાળે મૃત્યુ થતાં તેના પિતા પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.