નવસારી : જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે ચાર દિવસ અવિરત વરસાદ વરસ્યો હતો. જેને લઇને નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમા જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ત્યારે નવસારી શહેરની વાત કરવામાં આવે તો, ગતરાત્રે પડેલા વરસાદને કારણે વિજલપુર વિસ્તારના મુખ્ય માર્ગોની રોડની બાજુમાં આવેલા વૃક્ષો નમી પડ્યા હતા.
આજરોજ વહેલી સવારે અમને એવા સમાચાર મળ્યા હતા કે, વિજલપુર વિસ્તારના મુખ્ય માર્ગો પર આવેલા વૃક્ષો ધરાશાયી થવાની તૈયારીમાં છે, ત્યારે અમે તાત્કાલિક તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ દ્વારા ભયજનક વૃક્ષોનું ટ્રિમિંગ કરી તેને ઉતારી લેવામાં આવ્યા હતા. - જગદીશ મોદી (ચેરમેન નવસારી વિજલપુર)
રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો : જો વાવાઝોડા સાથે વરસાદ આવે તો આ વૃક્ષો ધરાશાયી થાય તેવી સંભાવના સેવાઈ રહી હતી. જેને લઈને મોડી મોડી જાગેલી નવસારી વિજલપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા નમેલા તમામ વૃક્ષોને ઉતારી લેવાની કામગીરી આરંભી હતી. જેને લઇને વેજલપુરના મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેથી કરીને લોકોમાં પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે પ્રિમોન્સૂનની કામગીરી હાલ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં વરસાદ : ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો છે. સારા વરસાદના પગલે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા છે. તો કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા.