નવસારી: શહેરમાં લાંબા વિરામ બાદ હવામાન ખાતાની આગાહીને માન આપતા હોય તેમ સતત ત્રીજા દિવસે મેઘરાજની ધમાકેદાર બેટિંગ યથાવત રહી હતી. ખેતી પાકોમાં પણ જીવમાં જીવ આવ્યો હતો. નવસારીમાં ગત દિવસોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સમગ્ર શહેરને જળબંબાકારની સ્થિતિમાં મૂકી દીધું હતું.
મેઘો મહેરબાન: લાંબા સમય સુધી વરસાદે વિરામ લીધો હતો. જેને લઈને નવસારી શહેરમાં ઉકળાટનો માહોલ ઊભો થયો હતો. પરંતુ લાંબા સમય બાદ હવામાન ખાતાની આગાહીને પગલે ફરી એક વાર નવસારી જિલ્લા પર મેઘો મહેરબાન થયો હતો. સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની બેટિંગ યથાવત રહી છે. નવસારી જિલ્લાના છ તાલુકામાં સરેરાશ વરસાદ નોંધાયો છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી હતી. તેમાં પણ ખાસ કરીને નવસારી શહેરી વિસ્તારમાં રહેતા લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે.
આયોજકો ચિંતાતુર: હાલ ગણપતિનો તહેવાર નજીક છે ત્યારે ગણપતિ ઉત્સવની તૈયારી કરતા પંડાલોના આયોજકો પણ હાલ ચિંતાતુર બન્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શેરડી અને ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે પણ વરસાદ જીવનદાન રૂપ સાબિત થયો છે. જેથી ડાંગર અને શેરડીની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
નવસારીના ખેડૂત પિનાકીન પટેલ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ડાંગર અને શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ જીવંતદાનરૂપ સાબિત થયો છે. કારણ કે શેરડી અને ડાંગરની રોપણી કર્યા બાદ લાંબા સમય સુધી વરસાદ ન આવતા ખેડૂતો અને પાકને નુકસાન થવાની સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ હતું. પરંતુ હવે ગતરોજ પડેલા વરસાદને કારણે ખેડૂતો માટે આનંદના સમાચાર છે.
ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર એ જે વસાવા જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ હવામાન વિભાગની આગાહીને પગલે જે વરસાદ રહ્યો છે. જેને લઇને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
વરસાદી આંકડા સાંજે છથી સવારે 6 સુધી | |
---|---|
શહેર | કેટલા ઈંચ વરસાદ |
જલાલપોર | 1 ઇંચ |
નવસારી | 1 ઇંચ |
ગણદેવી | 2 ઇંચ |
ચીખલી | 2 ઇંચ |
વાસદા | 2 ઇંચ |
ખેરગામ | 4 ઇંચ |
નદીની સપાટી | ||
---|---|---|
નદી | ભયજનક સપાટી | હાલની સપાટી |
પુર્ણા | 23 ફૂટ | 18 ફૂટ |
અંબિકા | 29 ફૂટ | 12 ફૂટ |
Surat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, જળાશયોમાં નવા નીરની આવક, ખેડૂતોમાં હરખની હેલી