નવસારી: નવસારી જિલ્લાના ચાર પોલીસ મથકો દ્વારા છેલ્લા દસ મહિનામાં પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો જિલ્લા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. દમણથી દક્ષિણ ગુજરાત થઈને ગુજરાતમાં મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી થાય છે, જેમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા આવા બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવા માટે મોટી કાર્યવાહી ચાલતી આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ધમધમતુ દારૂનું નેટવર્ક: દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફરીનું નેટવર્ક ધમધમી રહ્યું છે, જેમાં દમણથી ઇંગ્લિશ દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા મોટા પાયે હેરફેર કરવામાં આવે છે. આ દારૂના જથ્થાને ગુજરાતની હદમાં પહોંચાડવા માટે બુટલેગરો અવનવા કિમીયા કરીને હાઇવે અથવા દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરતા હોય છે. જોકે, પોલીસ દ્વારા આવા ભેજાબાજ તત્વો પર બાજ નજર રાખી અવારનવાર ગેરકાયદે કરાતી દારૂની હેરાફેરી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવે છે અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે છે.
51 લાખથી વધુના વિદેશી દારૂનો નાશ: સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા પકડાયેલા દારૂનો નાશ કરવાની કામગીરી પણ થતી રહે છે. જે અંતર્ગત નવસારી જિલ્લાના રૂરલ પોલીસ મથક ખાતે પકડાયેલા રૂપિયા 44 લાખ 3 હજાર 190 રૂપિયાની કિંમતનો તેમજ જલાલપુર પોલીસ મથક ખાતે પકડાયેલો રૂપિયા 2 લાખ 19 હજાર 660ની કિંમતનો, નવસારી અને વિજલપુર પોલીસ મથક ખાતે પકડાયેલો રૂપિયા 95,520 નો તેમજ મરોલી પોલીસ મથક ખાતે પકડાયેલો રૂપિયા 4,19,390નો એમ કુલ મળીને રૂપિયા 51 લાખ 47 હજાર 960 રૂપિયાની કિંમતના વિદેશની દારૂનો નાશ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.
15 દિવસ પહેલાં 1 કરોડથી વધુના દારૂનો નાશ: નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવસારી પોલીસ દ્વારા જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે ઇંગ્લિશ દારૂનો જથ્થો જે કબજે કરવામાં આવ્યો હતો, જેની નાશ કરવાની મંજૂરી નામદાર કોર્ટ પાસે લઈ નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે આવેલા અવાવરૂ જગ્યા પર લઈ જઈ 51 લાખ 47 હજાર 960 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, પોલીસ વહીવટી તંત્ર અને પ્રોહીબિશન એક્સાઇઝના અધિકારીઓની હાજરીમાં આ સમગ્ર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. હત્વપૂર્ણ છે કે, પંદર દિવસ અગાઉ પણ નવસારી જિલ્લાના અન્ય ચાર પોલીસ મથક ખાતે પકડાયેલા રૂપિયા એક કરોડ ૨૦ લાખના દારૂના જથ્થાનો પણ આજ રીતે નાશ કરવામાં આવ્યો હતો