નવસારી : ગત દિવસોમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી ચુક્યો છે. જેમાં વાંસદા તાલુકામાં સીઝનનો 54 ઇંચ જેટલો વરસાદ વરસતા વાંસદા તાલુકાના રસ્તાઓ જેને લઈને બિસ્માર થયા છે. જેના વિરોધમાં વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આજે વાપી શામળાજી હાઇવે નંબર 56 ઉપર ખાડા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેને લઇને ટ્રાફિકજામ થયેલો જોવા મળ્યો હતો.
ધારાસભ્યે ખાડાપૂજન કર્યું : ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા વાપી શામળાજી હાઇવે ઉપર રસ્તા ઉપર નીચે બેસી ખાડાઓમાં ફુલ અર્પણ કરી અગરબત્તી તેમજ કંકુ ચડાવી ખાડાપૂજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાઈવેની વચ્ચે બેસી જતા હાઇવે નંબર 56 ઉપર મોટી સંખ્યામાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
વાંસદા તાલુકામાં અત્યાર સુધી કુલ 54 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને સામાન્ય વરસાદમાં પણ નવા તૈયાર થયેલા રસ્તાઓમાં ખાડા પડવાની ઘટના બની છે. જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં છે. જો યોગ્ય સમયમાં ખાડા પૂરવામાં અને રસ્તાનુંં સમારકામ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તાલુકામાં જુદા જુદા કાર્યક્રમો આપી વિરોધ દર્શાવવામાં આવશે...અનંત પટેલ(વાંસદા ધારાસભ્ય)
વાંસદા પોલીસ દોડી આવી : સમગ્ર ઘટનાની જાણ વાંસદા ટાઉન પોલીસને થતા વાંસદા ટાઉન પોલીસ દ્વારા ધારાસભ્ય આનંદ પટેલને સ્થળ પરથી લઈ જઈને હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેને લઇને ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિક માંથી મુક્તિ મળી હતી
વિરોધ દર્શાવવાનો નવો અભિગમ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ રોડ રસ્તા અને પાણી આપવાની વાતો કરતા હોય છે અને મત મેળવતા હોય છે પરંતુ જ્યારે ગુણવત્તાની વાત કરવામાં આવે ત્યારે એ ગુણવત્તાયુક્ત કામ થતું નથી જેનું ઉદાહરણ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જોવા છે. વાંસદા તાલુકામાં આવેલ નેશનલ હાઇવે નંબર 56 જે વાપી શામળાજી અને સાપુતારા નાસિકને જોડતો રોડ છે તે બિસ્માર થતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ રીતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.