નવસારી : નવસારી જિલ્લામાં આંગણવાડીઓ તેમજ મધ્યાહ્ન ભોજન યોજનામાં અવારનવાર જીવજંતુવાળું સડેલું અનાજ વાપરવામાં આવતું હોવાની ઘટનાઓ બની છે ત્યારે ફરી એકવાર આજે નવસારીના જલાલપુર ખાતે આવેલી આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ભોજનમાં જીવાત જોવા મળતાં વિવાદ વકર્યો છે.
બાળકોને નાસ્તામાં સડેલા ચણાનો નાસ્તો અપાયો : ગુજરાતનું કોઇ બાળક કુપોષણથી ન પીડાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ દૂષણને દૂર કરવા માટે કમર કસવામાં આવી છે. જેથી આંગણવાડીઓમાં ભણવા માટે આવતા બાળકો માટે વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને તંદુરસ્તી પ્રદાન કરવા માટે અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ત્યારે નવસારી જિલ્લામાંથી એક અલગ જ ચિત્ર બહાર આવ્યું છે જેમાં આંગણવાડીમાં જતા બાળકોને સડેલા ચણા ભોજનમાં અપાતાં વિવાદ સામે આવ્યો છે.
સમગ્ર ઘટનાની મીડિયાના માધ્યમથી થતાં જલાલપુર તાલુકાની એક આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ચણામાં જીવાતનો પ્રશ્ન જોવા મળ્યો છે. જેથી ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ દ્વારા અમે સ્થળ મુલાકાત કરી તપાસ કરાવીએ છીએ. જો જીવાત ઉપદ્રવી ચણા હશે તો તેનો નિકાલ કરી સારો ગુણવત્તાવાળો આહાર બાળકોને આપવામાં આવશે...અતુલ ગજેરા (આઈસીડીએસ અધિકારી)
તપાસના આદેશ અપાયાં : નવસારી શહેરના જલાલપુર વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર સોસાયટીની આંગણવાડીમાં બાળકોને સડેલા ચણાં બાફીને નાસ્તામાં આપવામાં આવ્યા હતાં. સ્થાનિક આગેવાનો અને વાલીઓને ધ્યાને આવતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેના પગલે આંગણવાડીઓમાં આપવામાં આવતા ખોરાકની પોલ ખુલી છે. આંગણવાડીના ભૂલકાંઓને સડેલા ચણા આપતા વાલીઓ ભડક્યાં હતાં અને આંગણવાડી બહેન સાથે ઉગ્ર ચર્ચાઓ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ આઈસીડીએસ અધિકારીને થતા તપાસના આદેશ અપાયાં છે.
પોષણયુક્ત આહાર માટે શાળાએ આવતાં બાળકો : આંગણવાડી એ મધ્યમ વર્ગના અને ગરીબ બાળકો માટે પોષણયુક્ત આહાર મેળવવાનો એક મહત્વનું માધ્યમ બની ગયું છે. કારણ કે સરકાર જે પ્રમાણે ગરીબ વર્ગના બાળકો માટે પોષણયુક્ત ખોરાક જિલ્લામાં ચાલતી આંગણવાડીઓના માધ્યમથી આંગણવાડીમાં ભણવા આવતા બાળકો માટે આપે છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના વાલીઓ પોતાના ભૂલકાંઓને આંગણવાડીમાં મોકલતા હોય છે.