નવસારી : ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે લોકસભા ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે માર્મિક નિવેદન આપ્યું હતું. નવસારીના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ગુજરાત વિધાનસભા બેઠકો પૈકીની એક વાંસદા વિધાનસભા બેઠક ભાજપ પાસે નથી તેનો વસવસો થઇ આવ્યો હતો.જેનું દુઃખ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સમક્ષ છલકાઇ આવ્યું હતું. ધારાસભ્ય નરેશ પટેલનો બળાપો કોંગ્રેસ સામે ન હતો પણ ખુદ ભાજપ સામેનો હતો. વાત એમ છે કે નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે ભાજપ દ્વારા તાલુકા કક્ષાનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષની જ નબળાઇના કારણે વાંસદા વિધાનસભા બેઠક જીતી શકાતી નથી તેવો વસવસો વ્યક્ત કર્યો હતો.
નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં કહ્યું : આ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત પાર્ટીના વરિષ્ઠ મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પોતાના ભાષણ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મંચ પરથી કાર્યકર્તાઓ સામે વાંસદા વિધાનસભા બેઠક આજદિન સુધી ભાજપ જીતી ન શક્યું હોય તે બાબતે પોતાનું દુઃખ ઠાલવ્યું હતું. સ્નેહમિલન કાર્યક્રમના મંચ પરથી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે..
આપણને કોંગ્રેસનો ડર છે જ નહીં પરંતુ આપણને આપણા જ નડે છે. હવે કોઈને કોંગ્રેસનો ડર છે જ નહીં, જે હું પહેલેથી કહેતો આવ્યો છું. પરંતુ વાંસદાની ભૌગોલિક પરિસ્થિતિના આટલા વર્ષો બાદ અનુભવ થાય છે જેમાં આપણાં ને આપણાંનો જ ડર છે જેમાં હું જાહેરમાં કહું છું. બીજો કોઈ ડર નથી. પરંતુ આપણા જ લોકો આપણને નડે છે જેનો આજે પણ અફસોસ થાય છે. જેને આપણે ઓળખી શકતા નથી...નરેશ પટેલ (ગણદેવી ધારાસભ્ય )
કાર્યકર્તાઓમાં ઘડીક સોપો પડી ગયો : જાહેર મંચ પરથી ધારાસભ્યએ કરેલા આવા ભાષણના કારણે સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહેલા કાર્યકર્તાઓમાં ઘડીક સોપો પડી ગયો હતો. વાંસદા વિધાનસભા બેઠકને લઈને આમ તો ઘણીવાર પાર્ટીના મોટા નેતાઓ પણ વાંસદા બેઠક જીતી શકાતી નથી તે બાબતે પોતાનું દુઃખ ઠાલવતા હોય છે. પરંતુ ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી નરેશ પટેલે વાંસદામાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાનું દુઃખ ઠાલવતાં કાર્યક્રમમાં હાજર સૌ કોઈ કાર્યકર્તાઓ દંગ રહી ગયા હતાં. ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા કરવામાં આવેલી વાત લોકસભા ચૂંટણી માટે સૂચક સાબિત થશે.