નવસારી : ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લા વહિવટી તંત્ર પણ સાબદું થયું છે. આવા સંજોગોમાં જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના સમયે બચાવ કામગીરી માટે NDRF ની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
અવિરત વરસાદ : નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વીતેલા 24 કલાકમાં 6 તાલુકામાં એક થી છ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં ખાબક્યો છે. ત્યારે હાલ પણ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ અવિરત વરસી રહ્યો છે. ઉપરાંત અન્ય તાલુકાઓમાં મધ્ય ઝડપે વરસાદ યથાવત છે.
એલર્ટ મોડ ઓન : નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. કોઈ વિપરીત સંજોગોને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવસારી શહેરમાં NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લાની તમામ નદીઓની સ્થિતિ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની લોકમાતા પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. ત્યારે નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સાર્વત્રિક વરસાદી આંકડા : નવસારીમાં ગત 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે તંત્રએ જિલ્લાના વિવિધ તાલુકાના વરસાદી આંકડા જાહેર કર્યા છે. તે અનુસાર નવસારીમાં 25 mm, જલાલપોરમાં 21 mm, ગણદેવીમાં 60 mm, ચીખલીમાં 97 mm અને વાંસદા તાલુકામાં 79 mm વરસાદ નોંધાયો હતો. ખેરગામમાં સૌથી વધુ 147 mm વરસાદ વરસ્યો હતો.
- Navsari Monsoon News : નવસારી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
- Gujarat Monsoon Update : નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન, કાવેરી બે કાંઠે વહી