નવસારી: ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોતને પહોંચી વળવા માટે ગામેગામે તળાવો ખોદવામાં આવતા હોય છે. તળાવની ફરતે વોકવે અથવા સુંદર ગાર્ડન તૈયાર કરી બાળકોના રમવા માટે બનાવવામાં આવે છે. આ તળાવ ગામની નજીક હોય લોકો તળાવ પર દિવસ દરમિયાન કે સાંજે બેસવા માટે જતા હોય છે. અહીં બાળકો પણ આ તળાવના કિનારે રમવા માટે આવતા હોય છે. નવસારીના ખેરગામ તાલુકામાં પેમાપાળ ફળિયામાં રહેતા બે માસુમો આ તળાવમાં નાહવા માટે જતા પાણીમાં ડૂબી જવાથી તેઓના મોત થયા હતા.
તળાવમાં ડૂબી જવાથી મોત: ખેર ગામના પ્રેમાપાળ ફળિયામાં રહેતા બંને માસુમો ગઈકાલે સવારે શાળાએ ગયા હતા. પરંતુ શનિવાર હોવાથી શાળામાંથી વહેલા છૂટ્યા બાદ પોતાના ઘર તરફ જવાના બદલે આ બે બાળકો ખેરગામના બંધાર ફળિયામાં આવેલા તળાવમાં નાહવા માટે ગયા હતા. બંને બાળકો નાહવા માટે તળાવમાં પડ્યા હતા. તળાવ ઊંડું હોવાથી આ માસુમ બાળકો કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘણા સમય સુધી આ બે બાળકો પણ પોતાના ઘરે પરત ન ફરતા તેઓના પરિવારજનો તેઓની શોધખોળ કરવા માટે નીકળ્યા હતા. પરિવારજનોએ દરેક જગ્યાએ તેઓની તપાસ કરતા તેઓ ત્યાં માલુમ ન પડતા પરિવારજનો તળાવ કિનારે શોધવા માટે ગયા હતા. તે દરમિયાન આ બે બાળકના કપડા તળાવ કિનારે જોવા મળ્યા હતા. તેથી આ બાળકો આ તળાવમાં ડૂબી ગયા હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો: Jamnagar Crime: ચોરીના ગુનામાં પકડાતાં ઠપકો આપતાં પુત્રએ પિતાની કરી હત્યા
ગામમાં શોકની લાગણી: પરિવારજનોએ તાત્કાલિક ગામના સરપંચને જાણ કરતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બીજી તરફ સ્થાનિક તરવૈયાઓએ આ તળાવમાં ડૂબકી લગાવી બાળકોની શોધખોળ ચાલુ કરી હતી. ઘણા લાંબા સમય સુધી તરવૈયાઓ દ્વારા શોધખોળ કરતા આખરે આ બંને બાળકોની લાશ તળાવમાંથી મળી આવી હતી. લાશ મળી આવતા બંને બાળકોને તળાવની પાળે લાવી ખેરગામ પોલીસે આ બે બાળકોની લાશનો કબજો મેળવી લીધો હતો. માસુમોના આવા કરુણ મૃત્યુથી સમગ્ર ગામમાં શોકની લાગણી જોવા મળી છે.
આ પણ વાંચો: E Challan: અમદાવાદના વાહનચાલકોએ 8 વર્ષે પણ નથી ભર્યાં ઈ-ચલણ, આંકડો 300 કરોડ આંબી જતાં પોલીસ લાલઘૂમ
તળાવ ઊંડું હોવાની ડૂબ્યા બાળકો: તો બીજી તરફ ખેર ગામના પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બે બાળકો શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે તળાવમાં નાહવા માટે પડ્યા હતા. પરંતુ તળાવ ઊંડું હોવાની આ બાળકોને જાણ ના હોય આ બાળકો કોઈ અગમ્ય કારણોસર તળાવમાં ડૂબી ગયા હતા. હાલ તેઓની લાશ શોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.