નવસારી: પોલીસને જાણે ચેલેન્જ ફેકતા હોય એ રીતની ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ ઘટના નવસારીના ચીખલીમાં સામે આવી છે. ચીખલી પોલીસ મથક અને હાઈવે પોલીસ ચોકીની વચ્ચે એસટી ડેપોની સામે આવેલા ભાટીયા મોબાઈલ શોપમાંથી તસ્કરો 29.51 લાખના મોબાઈલ અને એસેસરીઝ તેમજ 10 હજાર રોકડ મળી 29.61 લાખની ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરોએ ઠંડીનો લાભ લઇ દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો : Surat News :રેતી માફિયાઓ સામે ભુસ્તર વિભાગની કડક કાર્યવાહી, 7 બોટ તોડી નાખી
બાકોરામાંથી જ બહાર નીકળ્યા : દુકાનમાં મુકેલા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ તેમજ મોબાઇલ એસેસરીઝ સાથે રોકડ ચોરી કરી બાકોરામાંથી જ બહાર નીકળ્યા હતા. તસ્કરોએ મોબાઈલ ફોન અને એસેસરીઝ બોક્ષમાંથી બહાર કાઢી લીધા બાદ બોક્ષ સળગાવી દીધા હતા. દુકાનના મેનેજરને ચોરી થયાનું જણાતા જ ચીખલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. લાખોની ચોરી થઈ હોવાની જાણ થતા જ DYSP અને પોલીસવડા પણ ચીખલી પહોંચ્યા હતા. જ્યારે પોલીસે FSL, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, ડોગ સ્કવોર્ડ અને CCTV ફૂટેજની મદદથી તસ્કરોનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ચોરીનું અનુમાન : ચીખલીની ભાટિયા મોબાઇલ શોપમાં થયેલી ચોરી પાતળા અને તરુણ અવસ્થાના વ્યક્તિએ કરી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. કારણ દુકાનમાં જે રીતે બાકોરું પાડ્યું હતું. એમાંથી ફક્ત પાતળો કે નાનો વ્યક્તિ જ દુકાનમાં પ્રવેશી શકે. જેની સાથે જ ચોરી નેપાળી ગેંગ દ્વારા કરવામાં આવી હોય એવુ પણ એક અનુમાન પોલીસ લગાવી રહી છે. જ્યારે દુકાન માલિકે સોફ્ટવેર આધારિત ગણતરી કરી કંપનીના મોબાઈલ ટ્રેક કરવાના પ્રયાસો પણ આરંભ્યા હોવાની માહિતી મળી હતી. જોકે એક અઠવાડિયાના CCTV ફૂટેજને તપાસ્યા બાદ દુકાનમાં રેકી થઈ હતી કે કેમ એ પણ તપાસ કરાશે.
આ પણ વાંચો : Ahmedabad Crime : ચોરી કરતી સસરા જમાઈની જોડી ઝડપાઈ, અનેક ગુનાને સાથે આપ્યો અંજામ
પોલીસની તપાસ : શિયાળામાં તસ્કરો પોલીસ કરતા ચડિયાતા સાબિત થાય છે. અનેક ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, તેમાં ઘણા ગુનાઓમાં તસ્કરોને પકડવામાં પોલીસ વર્ષો સુધી સફળ થતી નથી. ત્યારે લાખોના મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરીમાં તસ્કરો સુધી પહોંચવામાં નવસારી પોલીસ સફળ થાય છે કે કેમ એ જોવું રહ્યું.