નવસારી : શહેરના મધ્યમાં જુનાથાના વિસ્તારમાં આવેલ સરકારી આવાસના સી બ્લોકમાં ગતરાત્રી દરમિયાન એક કરુણ ઘટના બની છે. જેમાં એક પિતાએ પોતાના બાળકને ઈમારત પરથી નીચે ફેંકી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ નીચે કૂદીને આત્મહત્યા કરી હતી.
પતિ-પત્નીના ઝગડા : બનાવની મળતી વિગત અનુસાર સરકારી વિભાગમાં નોકરી કરતી પરણિતા મોનિકા અને તેના પતિ રાકેશ ગોસ્વામી વચ્ચે છેલ્લા 8 માસથી ગૃહ કંકાસ ચાલતો હતો. જેને લઈને પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવતા રાકેશ અને મોનિકા જુદા રહેવા લાગ્યા હતા. જેમાં પતિ રાકેશ મુંબઈ રહેવા માટે ચાલ્યો ગયો હતો. જેઓને સાડા ચાર વર્ષના બે જોડીયા બાળકો પણ હતા.
દંપતી અલગ રહેતા : બાળકોને છોડી મુંબઈ ખાતે રહેવા જતો રહેલો રાકેશ અનેકવાર બાળકોને મળવાના પ્રયત્ન કરતો હતો. જે મુજબ ગતરાત્રે પણ રાકેશ બાળકોને મળવા માટે નવસારી આવ્યો હતો. મોડી રાતે જૂનાથાના વિસ્તાર સ્થિત સરકારી વસાહત ખાતે પહોચ્યો હતો. તે વેળા બંને બાળકો સાથે મોનિકા ગરબા રમી રહી હતી. તે દરમિયાન જોડીયા બાળકો પુત્ર-પુત્રી પૈકી પુત્ર દ્વિજને લઈ રાકેશ નાસી છૂટયો હતો. જેને પગલે મોનિકાએ બૂમરાણ મચાવી હતી.
જુનાથાણા વિસ્તારમાં સરકારી આવાસમાં રહેતા પતિ-પત્નીના ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ બિલ્ડીંગના ટેરેસ ઉપર જઈ પોતાના ચાર વર્ષના બાળકને ફેંકી તેની હત્યા કરી હતી. બાદમાં તેઓએ પણ ટેરેસ પરથી નીચે કૂદી આત્મહત્યા કરી લીધી હતી. -- સંજય રાય (DySP)
પિતા પુત્રને લઈને ભાગ્યો : આ ઘટનાની જાણ ટાઉન પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. બાળકોને લઈ નાસી છૂટેલા રાકેશ ગોસ્વામીને શોધી કાઢવા ચાર ટીમો બનાવી પોલીસે મોડી રાતે ભારે દોડધામ કરી હતી. જેમાં મોડી રાતે પોલીસને રાકેશનું મોબાઈલ લોકેશન સરકારી વસાહતનું મળ્યું હતું. લોકેશન મળતા જ પોલીસે સરકારી આવાસની તમામ બિલ્ડિંગમાં શોધખોળ હાથ ધરી હતી.
પહેલા હત્યા પછી આત્મહત્યા : તે દરમિયાન પોલીસની ચહેલ પહેલ જોતા રાકેશ ગોસ્વામીએ પોતાના માસૂમ બાળક દ્વિજને સી બ્લોકના ટેરેસ ઉપરથી નીચે ફેંકી દઈ હત્યા કરી હતી. બાદમાં પોતે પણ ટેરેસ ઉપરથી નીચે ઝંપલાવી દઈને આત્મહત્યા કરી લીધી હતી. હત્યા અને બાદમાં આત્મહત્યાની આ કરુણ ઘટનામાં પોલીસે મૃતદેહનો કબજો લઈ પી.એમ માટે ખસેડ્યા હતા. તો બીજી તરફ બાળકની હત્યા કરનાર મૃતક પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો તેમજ આત્મહત્યાના મામલામાં અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી નવસારી ટાઉન પોલીસે હાથ ધરી છે.