નવસારી: વાતોમાં પાડીને કે નજર ચૂકવીને રોકડ અને દાગીના તફડાવતી આંતર રાજ્ય સીયા ગેંગને નવસારી LCB પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પર ગણેશ સિસોદ્રા ગામના ઓવરબ્રિજ પરથી ઝડપી પાડી 5.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સુરેન્દ્રનગરની એક જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીના તફડાવી નવસારી તરફ આવી રહ્યા હતા
દાગીના તફડાવામાં માહિર: વિડીયોમાં દેખાતા આરોપીઓ એટલા ચાલાક છે કે તમને વાતોમાં ભોળવીને રોકડ કે દાગીના તફડાવામાં માહિર છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં મોટા મોલ, પેટ્રોલ પંપ, જ્વેલર્સ જેવી જગ્યાઓએ દુકાનદાર કે સંચાલકોને વાતોમાં નાંખી, તેમની નજર ચૂકવી સોના ચાંદીના દાગીના અથવા રોકડ તફડાવીને રફુચક્કર થતી મધ્યપ્રદેશની સીયા ગેંગના છ સભ્યો નવસારી LCB ના હાથે લાગ્યા છે.
આ પણ વાંચો Navsari Crime : ડિજિટલ ટ્રાન્જેક્શનથી રૂપિયાની લેતી દેતી કરતા લોકો માટે લાલબત્તી
કબુલાત કરી: સીયા ગેંગના આ છ સભ્યો સુરેન્દ્રનગરની એક જ્વેલર્સમાં સોનીને વાતમાં અટવાવી, તેની નજર ચૂકવીને 60,000 ના સોનાના પેન્ડલ, સોનાના તાર અને ચાંદીના તાવીજ તફડાવી ભાગ્યા હતા. જેમાં પાંચ લોકો ભાડે કરેલી સફેદ રંગની કારમાં અને એક મહારાષ્ટ્રથી ચોરેલી બાઈક ઉપર હતો. જેની બાતમી નવસારી LCB પોલીસને મળતા નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ગણેશ સિસોદ્રા ગામના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી બાઈક અને કારને અટકાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમણે સુરેન્દ્રનગરથી સોના ચાંદીના દાગીના તફડાવ્યા હોવાની કબુલાત કરી હતી. જ્યારે પકડાયેલી બાઈક ગત નવેમ્બર 2022 માં મહારાષ્ટ્રના કાપુરબાવડી પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી હતી. જેથી પોલીસે તમામની ધરપકડ કરી નવસારી ગ્રામ્ય પોલીસને સોંપ્યા છે. સાથે જ સુરેન્દ્રનગર અને મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.
ફરિયાદ નોંધાય નથી: નવસારી પોલીસને હાથે ચડેલા સીયા ગેંગના આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ નોંધાય નથી. જેનો ફાયદો ઉઠાવી આરોપીઓ વેપારી, જ્વેલર્સ અને દુકાનદારોને વાતોમાં ભોળવી હજારો લાખોનો મુદ્દામાલ તફડાવી લેતા હતા. બાદમાં તેને સરખે ભાગે વહેંચી છૂટા પડી જતા હતા. હાથ સફાઈ કર્યા બાદ અઠવાડિયા દસ દિવસ પછી ફરી ભેગા થતા અને નવી જગ્યાએ હાથ ફેરો કરતા હતા. છ જણાની ગેંગમાં સાહિલ સીયા લીડર છે અને ક્યાં કરતબ અજમાવવાનું છે એ સાહિલ નક્કી કરતો હતો. જોકે પોલીસના હાથે ચડતા હવે સિયા ગેંગ સામે ફરિયાદો નોંધાય એવી સંભાવના જોવાઈ રહી છે.