નવસારી : જિલ્લામાં અત્યાર સુધીમાં 6,486 દર્દીઓએ કોરોનાને હરાવ્યો નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં થયેલા વધારા બાદ હવે કોરોના થાકી ગયો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થવા સાથે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે. જેને કારણે હવે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓ 298 જ રહ્યા છે. જોકે હજૂ પણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં શનિવારના રોજ નવસારીમાં નવા 17 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેની સામે જિલ્લામાં 67 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, જ્યારે આરોગ્ય વિભાગ અનુસાર ચીખલીના બે 60 વર્ષીય વૃદ્ધોનું કોરોનાને કારણે મોત થયું હતુ.
અત્યાર સુધીમાં 6,486 દર્દીઓ કોરોનાથી સાજા થયા
Navsari Corona Update - નવસારી જિલ્લામાં કોરોના સાત હજારનો આંક પૂરો કરવા તરફ નવસારીમાં કોરોનાના પગપેસારાને 14 મહિના થવા જઈ રહ્યા છે. જેમાં કોરોનાની પ્રથમ લહેર નવેમ્બર મહિના બાદ ધીમી પડી હતી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોરોના જાણે મટી ગયો હોય એવી સ્થિતિ જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં જિલ્લામાં ફક્ત બે એક્ટિવ કોરોના દર્દીઓ રહ્યા હતા, પરંતુ કોરોનાની બીજી લહેર ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં એટલી વધી કે જિલ્લામાં કોરોના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો અને હોસ્પિટલ ફૂલ થઇ હતી. જેને કારણે અત્યાર સુધીમાં નવસારીમાં કુલ 6,971 લોકો કોરોના સંક્રમિત થયા છે. જો કે, એપ્રિલ મહિના બાદ કોરોના દર્દીઓના સાજા થવાની ગતિ પણ વધી છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં 6,486 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના 187 દર્દીઓને ભરખી ગયો છે.
આ પણ વાંચો -