નવસારીઃ નવસારીમાં એક યુવાનનો વરઘોડો જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તમને થશે કે આવું કેમ. તો તમને જણાવી દઈએ કે, આ યુવાનનો વરઘોડો અન્ય લગ્નની જેમ નહીં પરંતુ દબાણ કામ હટાવવા અને ઘરને પાડી દેવા માટે ઉપયોગમાં લેવાતા જેસીબી મશીનમાં નીકળ્યો હતો. અહીં ધોડિયા પટેલ સમાજના એક યુવાનના લગ્ન આદિવાસી પરંપરા અને વિધી મુજબ કરવામાં આવ્યા હતા, પરંતુ યુવાનનો વરઘોડો જેસીબી મશીનમાં કાઢવામાં આવ્યો હતો. તેના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
અનોખો વરઘોડોઃ મહત્વની વાત કરીએ તો, કાઠીયાવાડમાં પણ પોતાના ગામથી સ્ટાઇલમાં બળદગાડામાં વરઘોડા નીકળ્યા હોય એવા કિસ્સા પણ સામે આવ્યા છે. તો અમુક કિસ્સામાં વર પક્ષ દ્વારા હેલિકોપ્ટરમાં કે જૂની વિન્ટેજ કારમાં અથવા તો મોંઘીદાટ કારમાં પણ વરરાજા કન્યા લેવા માટે જાય છે તેવા પણ કિસ્સાઓ જોવા મળ્યા છે. લગ્નની સીઝન શરૂ થતા જ આવા અનોખી રીતના વરઘોડાની સંખ્યામાં વધારો થતો હોય છે અને અવનવી રીતે વરઘોડો કાઢવામાં આવતો હોય છે ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામે પણ લગ્નની સીઝન શરૂ થતાની સાથે જ અનોખી રીતે વરઘોડો કાઢવામાં આવ્યો છે.
પાવડાના ભાગમાં બેઠા વરરાજાઃ કલયરી ગામના ધોડિયા પટેલ સમાજના લગ્નમાં વર પક્ષ દ્વારા જેસીબી મશીનના પાવડાના ભાગને સ્પેશિયલ ફૂલ અને ચૂંદડીઓથી શણગારીને વરરાજાને પાવડાના ભાગમાં બેસાડવામાં આવ્યા હતા અને ડીજેના તાલે જેસીબી માં વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેસીબીના આગળ જાનૈયાઓ ડીજેના તાલે નાચતા નાચતા વરઘોડો કાઢવામાં આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું અનોખી રીતે કાઢેલા વરઘોડાને જોવા માટે ઘણા લોકો ઉમટી પડ્યા હતા અને આ દ્રશ્યોને પોતાના કેમેરામાં પણ કેદ કરતા નજરે ચડ્યા હતા. આદિવાસી પરંપરા અને વિધિ મુજબ આ લગ્ન થયા હતા નવસારી જિલ્લામાં પ્રથમવાર આવો અનોખો વરઘોડો જોવા મળ્યો હતો
લગ્નની સીઝનમાં અનોખી રીતઃ લગ્નની સીઝન એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતા ગ્રામ્ય વિસ્તાર હોય કે, શહેરી વિસ્તાર હોય. આ પારંપરિક રીતે લગ્ન ધામધૂમથી યોજાતા હોય છે અને વર અને કન્યા પક્ષ દ્વારા પોતાના લગ્ન પ્રસંગ જીવનભર યાદ રહી જાય તે માટે અવનવી રીતે લગ્નમાં વર અને કન્યા પક્ષ દ્વારા કંઈક નવીનતા પણ લગ્નમાં કરવામાં આવે છે. હાલ તો વરપક્ષ દ્વારા અસલ ગામઠી સ્ટાઈલમાં વરઘોડો કાઢવાની પરંપરા પણ ફરી ચલણમાં આવી છે.