નવસારી: ગણદેવી તાલુકો નદીઓ-કોતરો અને બાગાયતી વિસ્તાર હોવાથી વન્યપ્રાણીઓ માટે આશ્રય સ્થાન બન્યો છે. આ સાથે જ તાલુકામાં ખેડૂતો શેરડીનો પાક લેતા હોય છે અને ઉંચા ઉંચા શેરડીના ખેતરોમાં દીપડાઓ પોતાનું ઘર બનાવતા હોવાનું પણ નિષ્ણાતોના ધ્યાને આવ્યું છે. હાલ શેરડીની કાપણી ચાલી રહી છે, જેથી દીપડાઓ દેખાવાની ઘટનાઓ વધી છે. જેને કારણે દીપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવીને પાલતું પ્રાણીઓને પોતાનો કોળીયો બનાવતા હોય છે.
ગણદેવી તાલુકાના વેગામ ગામની ગ્રામ પંચાયત કચેરીથી પૂર્વ વિસ્તારની વાડીમાં અઠવાડિયા અગાઉ ગત શુક્રવારે વહેલી સવારે દીપડાએ 50 કિલો વજની ઉચ્ચ નસલના શ્વાનનો શિકાર કર્યો હતો, જેની જાણ થતા ગણદેવી વન વિભાગે દીપડાને પકડવા વાડીમાં પાંજરુ પણ ગોઠવ્યું હતું. તે દરમિયાન આજે શુક્રવાર બપોરે વેગામ ગામના ભંડાર ફળીયાની વાડીમાં શ્રમિકો રીંગણ તોડવા જઇ રહ્યા હતા. ત્યારે પગદંડી નજીક તેમની નજર એક સુતેલા દીપડા પર પડી હતી, જેને જોઇને તેઓ ડરી ગયા હતા અને દીપડાને ભગાડવા બુમાબુમ કરી હતી, પરંતુ બુમો પાડવા છતાં પણ દીપડો તેમજ પડી રહેતા ગામના આગેવાનો જાણ કરી હતી અને તેમણે ગણદેવી વન વિભાગને આ અંગે જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ વન વિભાગના અધિકારી નરેશ પટેલ, આરએફઓ જે. બી. ટેલર સહિતની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે જોતા કદ્દાવર દીપડો મૃત અવસ્થામાં પડ્યો હતો. જેની પ્રાથમિક તપાસ કરતા દીપડો 5 વર્ષનો હોવાનું જણાયુ હતું, જોકે તેના મોત અંગેનું ખરૂ કારણ જાણવા ગણદેવી પશુ ચિકિત્સક ડો. ભીમાણી પાસે પીએમ કરાવ્યુ હતું અને તેના મૃતદેહને એંધલ વન ડેપો ખસેડી, ત્યાં મૃત દીપડાના અગ્નિસંસ્કાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.