- જિલ્લામાં નવા 15 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
- સરકારી કચેરી, પોલીસ મથક અને નવસારી કોર્ટના કર્મચારી પણ થયા કોરોના પોઝિટિવ
- ગણદેવીના નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને ક્લાર્ક પણ કોરોના સંક્રમિત
- આરોગ્ય વિભાગ કોરોનાના આંકડાઓ છુપાવતો હોવાની ચર્ચા
- સતત વધતા કોરોના કેસો નવસારી માટે ચિંતા જનક
નવસારી : નવસારી જિલ્લામાં કોરોના વિસ્ફોટક મોડમાં પહોંચ્યો હોય એવી સ્થિતિ બની છે. જિલ્લામાં બુધવારે 15 લોકો કોરોના સંક્રમિત થતા સારવાર હેઠળ છે. જેથી અત્યાર સુધીમાં જિલ્લામાં 139 એક્ટિવ કેસો થયા છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 114 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ, એક્ટિવ કેસો 47
સરકારી કર્મચારીઓ આવ્યા કોરોના પોઝિટિવ
નવસારી જિલ્લામાં શાળા-કોલેજ બાદ હવે સરકારી કચેરીઓ, પોલીસ મથક અને જિલ્લા કોર્ટમાં કાર્યરત સરકારી કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ગણદેવી મામલતદાર ઓફિસના નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને ક્લાર્ક પણ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે નવસારી જિલ્લા કોર્ટના ત્રણ કર્મચારીઓ સહિત નવસારી ગ્રામ્ય પોલીસના એએસઆઈ પણ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાના કેસો ઓછા આવતા હોવાનું બતાવી રહ્યો
નવસારી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસો વધ્યા છે. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાના કેસો ઓછા આવતા હોવાનું બતાવી રહ્યો છે. પરંતુ જિલ્લાની ખાનગી લેબોરેટરીઓ અને સીટી સ્કેન સેન્ટરોમાં થતા કોરોના ટેસ્ટના રિપોર્ટ આરોગ્ય વિભાગ પાસે આવતા નથી. જેથી જિલ્લામાં ખરા અર્થમાં કેટલા લોકો કોરોના પોઝિટિવ છે, એનો આંકડો મળી શકતો નથી. જેને કારણે જિલ્લામાં કોરોનાના કેસોના અસલી આંકડા કરતા આરોગ્ય વિભાગ ઘણા ઓછા આંકડા બતાવતો હોવાની લોક ચર્ચાએ વેગ પકડ્યો છે. જોકે સમગ્ર મુદ્દે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ મૌન સાધી લીધુ હોવાથી સચ્ચાઈ સામે આવી શકી નથી.