દક્ષિણ ગુજરાતના નવસારી, નર્મદા, વલસાડ, તાપી અને ડોલવણ, ગણદેવી સહિતના 15 જેટલા યુવાનો એન્જીનીયરીંગના અભ્યાસ બાદ બેરોજગાર હતા. ત્યારે તેમને ઉત્તરપ્રદેશ સ્થિત મેનપુરીમાં ટાટા ટાયફ કંપનીમાં ઊંચો પગાર મળતો હોવાની મિત્ર વર્તુળ દ્વારા જાણકારી મળી હતી. જેમાં નોકરી પ્રાપ્તિ માટે પ્રથમ 21,000 રૂપિયા જમા કરાવતા રહેવા જમવા સાથે માસિક સોળ હજાર પગારની ઓફર કરવામાં આવી હતી. જે સ્વીકારી યુવાનો યુપીના મેનપુરી સ્થિત વીડિયો જ્યોતિ ઇરાહ રોડ, કેક મેરેજ હોલ પાસે ઘરમાં ચાલતા કાર્યાલય પહોંચ્યા હતા.
પરંતુ, ત્યાં ટાટા ટાયફ કંપની જેવું કશું હતું નહીં. તેના સ્થાને ગ્લેઝ ટ્રેડીંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની મલ્ટીલેવલ ચીટ ફંડ કંપની હતી. જેમાં એકના નીચે ત્રણ માણસોના જોઇનિંગ કરાવવાના હતા. દરેક પાસે 21,000 લેતાં ચાર લોકોના 84,000 થાય ત્યારે 15,000નો ચેક બનતો હતો.
45 દિવસ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જમવામાં રોજિંદા ચોખા દાળ અપાતા અને ચીટ ફંડમાં ધંધે લઇ આવવા માનસિક-શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો .આ સમગ્ર આપવીતી ગણદેવી તાલુકાના દેસાડ ફળિયાના હિરેન પટેલે પરિવારજનોને જણાવી હતી. ગામના સરપંચ દીપિકા પટેલે અગ્રણીઓ સંગાથે નવસારી સાંસદ સી.આર.પાટીલને રજૂઆત કરતાં સાંસદ મદદે આવ્યા હતા.
પાટીલે યુપી વહીવટીતંત્રને જાણ કરતાં રવિવારે સાંજે યુપી પોલીસે ફ્રોડ કંપનીના પ્રમોટર રવીકાંત તિવારી અને ત્રિપુરેશ પાંડેની અટક કરી હતી. તે સાથે નવ યુવાનોને તેમની જાળમાંથી છોડાવી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વતન ગુજરાત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.