નવસારી: નવસારી નગરપાલિકાએ શહેરના પાંચ હાટડી વિસ્તારમાં વર્ષો પૂર્વે બનાવેલી દાદાભાઈ નવરોજી માર્કેટ અને શોપિંગ સેન્ટર સમારકામને અભાવે જર્જર બન્યું છે. પાલિકાએ જર્જર શોપિંગ સેન્ટરને નવું બનાવવા માટે કેટલાક વર્ષોથી પ્રયાસો શરૂ કર્યા છે.

માર્કેટમાં પીલર્સ અને સીલીંગના સળીયાઓ દેખાવા સાથે સ્લેબના પોપડા પણ ખરી પડતા માર્કેટમાં માછલી વેચતા વેપારીઓએ માર્કેટ છોડી બહાર રસ્તા પર બેસવાની નોબત આવી હતી. જયારે મટન વેચતા કેટલાક વેપારીઓએ પણ માર્કેટ છોડી દીધી હતી. જેથી લાંબા સમયથી વેપારીઓ જર્જર માર્કેટને નવું બનાવવા માટેની માગણી કરી રહ્યા હતા. પરંતુ માર્કેટના આગળના ભાગે આવેલી દુકાનોના દુકાનદારો અને પહેલા માળની ઓફીસ ધારકો કબજો આપવા મુદ્દે પોતાની માગો પાલિકા સામે રાખી રહ્યા હતા, જેને કારણે જર્જર બનેલા શોપિંગ સેન્ટરને તોડવામાં પાલિકા પાછળ પડી રહી હતી.
બીજી તરફ ગુજરાત સરકારમાંથી શોપિંગ સેન્ટર માટે આવેલી ગ્રાન્ટ લેપ્સ થવાની અણીએ આવતા પાલિકા સફાળી જાગી છે. હવે વેપારીઓ સાથે ફરી બેઠક કરી તેમની દુકાનો ખાલી કરાવવા મનાવ્યા છે. જેમાં પાલિકા લોક સહયોગ સાથે એટલે કે દુકાનદારો પાસેથી પ્રતિ ચો. ફૂટના 2000 રૂપિયા પ્રમાણે ભાવ લઈ શોપિંગ સેન્ટરનું નિર્માણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
પાલિકાની પાંચ હાટડીના દાદાભાઈ નવરોજજી શોપિંગ સેન્ટરના દુકાનદારોને મનાવી લીધા હોવાની વાત વચ્ચે હજૂ પણ દુકાનદારો દુકાન ખાલી કરવા તૈયાર નથી. દુકાનદારોએ તેમની વ્યક્તિગત સહીત અને કેટલીક માગો પાલિકા સમક્ષ મૂકી છે, અને તેની લેખિતમાં બાંહેધરી માગી છે. આ સાથે જ પાલિકાને લેખિત રજૂઆત કરી દુકાનનો કબજો છોડવા માટે 45 દિવસનો સમય પણ માંગ્યો છે. પરંતુ જો પાલિકા દુકાનદારોની માગો પ્રમાણે લેખિત બાંહેધરી ન આપે તો, દુકાનદારો દુકાનનો કબજો ન છોડવાનું મન બનાવી ચુક્યા છે. જયારે સમગ્ર મુદ્દે હવે વિપક્ષના કોંગ્રેસી સભ્ય પીયુષ ઢીમ્મરે પણ દુકાનધારકો દ્વારા પાછળના ઓટલાઓ દુકાનમાં ભેળવી ઓટલાની ચોરી કરી હોવાના ગંભીર આક્ષેપો બજેટ સભા લગાવતા પાલિકાએ દુકાનદારોને જેટલી જગ્યા ફળવાયેલી હતી, એટલી જ જગ્યા આપવાનો ઠરાવ પણ કર્યો હોવાની માહિતી મળી છે.

