નવસારી: છેલ્લા થોડા વર્ષોથી બદલાતા મૌસમને કારણે ખેતી પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને નહેર આધારિત ડાંગરની ખેતી કરતા નવસારીના ખેડૂતોને પાણીને લઇને મુશ્કેલી વેઠવી પડે છે. જોકે આ વર્ષે સારા વરસાદે ડેમ ભરાતા ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ હતી. પણ પાછોતરા વરસાદને કારણે ઉનાળુ ડાંગરની રોપણી મોડી થઈ હતી. હવે જ્યારે ડાંગર તૈયાર થઈ છે, ત્યારે કોરોનાને કારણે જાહેર થયેલા લોકડાઉનમાં મજૂરો પોતાના વતનમાં જતા રહેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતો ડાંગ, તાપી, સુરત, વલસાડ જેવા પડોશી જિલ્લાઓમાંથી મજૂરો લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પણ કોરોનાને કારણે મજૂરોને લાવવાના નિયમોને લઇ છેલ્લા થોડા દિવસોથી ખેડૂતો કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ડાંગરમાં જેસીડ સહિતના રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો નવસારીમાં અંદાજે 7 હજાર એકરથી વધુ જમીનમાં ડાંગર લહેરાઈ રહી છે, પણ ઉનાળાના આકરા તાપમાં તૈયાર ડાંગરમાં રોગ લાગતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. ડાંગરમાં જેસીડ નામક મહારોગ લાગ્યો છે, જે એટલી ઝડપે વધે છે કે ડાંગરના ખેતરો નાશ થઈ શકે છે. જેની સાથે જ ધાગમરાનો રોગ, જે તૈયાર ડાંગરમાં નીચેથી પાતળા દોરા જેવી ઈયળ લાગવાને કારણે થાય છે. જેમાં ડાંગરના દાણાને પોષણ ન મળવાની સમસ્યા રહે છે. જેની સાથે જ ફૂગજન્ય બ્લાસ્ટ અને સુકારાના રોગો પણ લાગ્યા છે. જેને કારણે ડાંગર પકવતા ખેડૂતો વહેલી તકે તૈયાર ડાંગર કાપી લેવા માંગે છે, પણ મજૂરોને લઇ આવવા તેમના નામની યાદી, આધારકાર્ડની કોપી જેવા નિયમોને કારણે મંજૂરી મેળવવામાં મોડુ થવાને કારણે ખેડૂતો સોનાના દિવસો ગુમાવી રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યાં છે. આ સાથે જ સરકારે આપેલી રાહતને યાદ કરી ડાંગરના ખેડૂતોને રાહત પેકેજ જાહેર મળે તેવી આશા સેવી રહ્યા છે.