નવસારીઃ જિલ્લામાં આમ આદમી પાર્ટી (આપ) પોતાની મજબૂતી બનાવવાના પ્રયાસો કરી રહી છે. જેમાં નવસારીમાં આપ સંગઠન મજબૂત કરવા ગુરુવારે આપના જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ઉદ્ધાટનના ઉત્સાહમાં આપના કાર્યકર્તાઓ કોરોના માહામારી અને લોકડાઉનના ધોરણો ભુલી ગયા હતા. આપ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કર્યું હતું. આ સાથે જ આપના નેતાનો જન્મ દિવસ હોવાથી બર્થ ડે પાર્ટી પણ ઉજવી હતી. આ કાર્યક્રમ અને બર્થ ડે પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પક્ષની બેજવાબદારી સામે આવી હતી.
નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટી છેલ્લા થોડા સમયથી સક્રિય થઇને કાર્યક્રમો આપવા સાથે જ કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડાવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં હવે જ્યારે લોકડાઉન ખુલ્યુ છે. ત્યારે આપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આપના સંગઠનને મજબૂત કરવાના ઈરાદાથી નવસારી શહેરના પાંચ હાટડી નજીક જન સંપર્ક કાર્યાલયનો ગુરુવારે પ્રારંભ કરાયો હતો. જેમાં જિલ્લાના પ્રભારી શશીકાંત સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી આપની ઓફિસના ઉદ્ધાટન સમારોહ અને બર્થ ડે પાર્ટીમાં કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે. લોકો અનલોક-1માં કોરોના મહામારી ભુલી બે ફિકર બની રહ્યા છે.