નવસારીઃ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના આઠેય પોઝિટીવ દર્દીઓએ કોરોનાને હરાવ્યા બાદ હવે જિલ્લો ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે કોરોનાને નાથવા માટે નવસારી પોલીસ હવે ભગવાન સત્ય નારાયણના શરણે પહોંચી છે. પોલીસે સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં રવિવારે લોકડાઉનના ત્રીજા ચરણના અંતિમ દિવસે ભગવાન શ્રી સત્ય નારાયણની કથા કરી હતી.
ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં નવસારી જિલ્લો પણ બચ્યો ન હતો. જિલ્લામાં 21 એપ્રિલના રોજ પ્રથમ કોરોના કેસ નોંધાયા બાદ જિલ્લામાં 8 દર્દીઓ કોરોના પોઝિટીવ નોંધાયા હતા. જેઓએ કોરોના સામેની જંગ જીતતા તમામને કોવીડ 19 હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. બીજી તરફ લોકડાઉનને કારણે અટકી પડેલી અર્થવ્યવસ્થાની ગાડીને ફરી પાટે ચઢાવવા સરકાર દ્વારા લોકડાઉનમાં થોડીક છૂટછાટો આપવામાં આવી છે. ત્રીજા ચરણના લોકડાઉનનો રવિવારે છેલ્લો દિવસ છે અને સોમવારથી નવા રંગરૂપમાં લોકડાઉન પાર્ટ-4 જાહેર થશે. ત્યારે નવસારી જિલ્લો કોરોના મુક્ત બનતા, હવે જિલ્લો ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યો છે. જેથી સોમવારથી લોકડાઉન પાર્ટ-4 માં વધુ છૂટછાટ મળવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે રવિવારે જિલ્લાની ઘાચી પંચની વાડીમાં કે જ્યા 50 દિવસોથી પોલીસ જવાનો માટે ચાલતા રસોડાને પણ આજે વિરામ આપવામાં આવ્યો છે, ત્યા પોલીસે જિલ્લો કોરોના મુક્ત જ રહે એવી ભાવના સાથે ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરી, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી. પોલીસ દ્વારા આયોજીત કથામાં ધારાસભ્ય પીયૂષ દેસાઈ, સામાજિક આગેવાન પ્રેમચંદ લાલવાણી, એન જે ગ્રુપના જીગ્નેશ દેસાઈ સહિત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.