નવસારી: નવસારી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વહાણવટના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોનો મોટો વર્ગ રહે છે. જેઓ અવારનવાર માછીમારી કરવા માટે દરિયો ખેડતા હોય છે. જેમાં નવસારીના ધોલાઈ બંદરથી 4000 થી વધુ માછીમાર દરિયામાં રોજગારી માટે જાય છે જેમાં 25,000 જેટલા લોકોને દક્ષિણ ગુજરાતનો દરિયો રોજગારી આપે છે. નવસારીની દરિયાઈ પટ્ટી પર વસતા સાગર ખેડુઓ નારીયેળી પૂનમના પવિત્ર દિવસે પોતાની વર્ષો જૂની પરંપરા અનુસાર સાગરદેવનું પૂજન કરી રોજગારી માટે દરિયો ખેડવાની શરૂઆત કરે છે.
![પરંપરા અનુસાર ઢોલ શરણાઈના તાલે કળશ યાત્રા કાઢી દરિયાદેવની પૂજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2023/gj-nvs-05-sagar-puja-avb-bite-gj10079mp4_30082023194241_3008f_1693404761_728.jpg)
શરણાઈના તાલે કળશ યાત્રા: માછીમાર સમાજ દ્વારા તેઓની વર્ષો જૂની પરંપરા અનુસાર આજના દિવસે એટલે કે નારિયેળી પૂનમના દિવસે નવસારીના ધોલાઈ બંદર ખાતે માછીમાર સમુદાયના મહિલા પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને પોતાની પરંપરા અનુસાર ઢોલ શરણાઈના તાલે કળશ યાત્રા કાઢી દરિયાદેવની અને પોતાના વહાણની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. દરિયો 9 મહિના માછીમારોને સાચવે અને ધંધો રોજગાર સારા પ્રમાણમાં આપે એ માટે ભવ્ય પૂજા કરવામાં આવે છે.
![દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની શરૂઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2023/gj-nvs-05-sagar-puja-avb-bite-gj10079mp4_30082023194241_3008f_1693404761_727.jpg)
દરિયો ખેડવાની શરૂઆત: દરિયાદેવને નારિયેળ પધરાવી માછીમાર સમાજ પોતાની રોજગારીમાં સમૃદ્ધિ અને રક્ષણ આપવાની પ્રાર્થના દરિયાદેવને કરે છે. આજના દિવસથી જ માછીમાર સમાજ દરિયો ખેડવાની શરૂઆત કરે છે. આજના દિવસથી દરિયો પોતાનું બળ ઓછું કરે છે. જેથી આજના તહેવારને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ બને છે.
![માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2023/gj-nvs-05-sagar-puja-avb-bite-gj10079mp4_30082023194241_3008f_1693404761_301.jpg)
" આજનો દિવસ અમારા માટે ખૂબ પવિત્ર છે. આજના દિવસે અમે દરિયાની અને અમારી બોટની પૂજા કરી આગળ ખેડવાની શરૂઆત કરીએ છીએ. કારણ કે નારીયેળી પૂનમના દિવસ પછી દરિયામાં તોફાન ઓછું રહે છે. તેથી અમારા માટે દરિયો ખેડવો સહેલો થઈ જાય છે. તેથી અમે આજના દિવસથી અમારા ધંધા રોજગાર માટે સાગર ફેરવાની શરૂઆત કરીએ છીએ. " - શાંતિલાલ ટંડેલ, માછીમાર સમાજના આગેવાન