- ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી
- ગણદેવી નગરપાલિકામાં 24 બેઠકોમાંથી 24 ભાજપે કરી કબજે
- નવસારી-વિજલપોર નગરપાલિકાની 52 બેઠકોમાંથી 51 ભાજપના ફાળે, 1 કોંગ્રેસ જીતી
- જિલ્લાની 238 બેઠાકોમાંથી 209 પર ભાજપની જીત
નવસારીઃ નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે ખેલાયેલા ચૂંટણી સંગ્રામમાં મંગળવારે પરિણામ જાહેર કરાયા હતા. જેમાં EVM ખૂલતા જ નવસારીના 6 તાલુકાઓમાં વહેંચાયેલી જિલ્લા પંચાયતની બેઠકો ભાજપના ખોળામાં જતા, કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં સોપો પડી ગયો હતો. ભાજપે 26 બેઠકો જીતીને જિલ્લા પંચાયત કબજે કરી છે. જ્યારે કોંગ્રેસ પાસે ફક્ત બે બેઠકો આવી હતી. એ જ પ્રકારે નવસારી તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 13 ભાજપ અને 3 કોંગ્રેસ, જલાલપોર તાલુકા પંચાયતમાં 20 બેઠકોમાંથી 18 ભાજપ અને 2 કોંગ્રેસ, ગણદેવી તાલુકા પંચાયતમાં 24 બેઠકોમાંથી 23 ભાજપ અને એક અપક્ષ, ચીખલી તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી 26 ભાજપ અને બે કોંગ્રેસ, ખેરગામ તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 11 ભાજપ અને 5 કોંગ્રેસ તેમજ વાંસદા તાલુકા પંચાયતમાં 28 મથકોમાંથી 15 ભાજપ અને 13 કોંગ્રેસને ફાળે ગઈ હતી. જ્યારે ગણદેવી નગરપાલિકાની 24 બેઠાકોમાંથી 24 ભાજપ અને નવસારી-વિજલપોર નગરપાલિકામાં 52 બેઠાકોમાંથી 51 ભાજપે જીતતા જિલ્લાની કુલ 238 બેઠકોમાંથી 209 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો.
નવસારી-વિજલપોર નગરપાલિકામાં ગામડાઓ ભળતા ભાજપને થયો ફાયદો
નવસારી નગરપાલિકાનું હદ વિસ્તરણ થતા વિજલપોર નગરપાલિકા સાથે જ આસપાસના છાપરા, ઈટાળવા, જમાલપોર, તીઘરા, કાલિયાવાડી, કબિલપોર અને ચોવીસી ગામ નવસારીમાં જોડાયા છે, જેના થકી રચાયેલા નવા વોર્ડ અને તેના સીમાંકનનો સીધો ફાયદો ભાજપને થયો હોય એવી સ્થિતિ જોવાઇ રહી છે. શહેરના કબીલપોર અને ચોવીસી ગામને જોડીને બનેલા નવા વોર્ડ નં. 5 જે નવસારી-વિજલપોર પાલિકાનું આર્થિક પાસુ મજબૂત કરતો વોર્ડ બન્યો છે, જ્યાં ભાજપી ઉમેદવારો અને હરીફ અપક્ષ ઉમેદવાર વચ્ચે રસાકસી રહી હતી. જોકે જીત મેળવ્યા બાદ ભાજપી ઉમેદવારોએ ગામમાં બાકી રહેલી 10 ટાકા પયાની સમસ્યાના નિવારણ સાથે પાલિકાના વિકાસમાં વોર્ડ 5 મહત્વનો બની રહેશે એવી આશા વ્યક્ત કરી હતી.