- વીજ કંપનીનો કાર્યક્રમ હોવા છતાં અધિકારીઓ કાર્યક્રમ સ્થળે વીજળી આપી ન શક્યા
- રાજ્ય આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ કરાવ્યો કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
- ચીખલીના 10 ગામડાઓના 1056 ખેડૂતોને મળ્યો સવારે વીજળી ઉપયોગનો લાભ
નવસારી : ગુજરાત સરકારની ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ સરકારના પ્રધાનો દ્વારા તાલુકે તાલુકે જઇ કરાવામાં આવી રહ્યો છે. નવસારીના ચીખલી તાલુકામાં પણ રાજ્ય આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ઉપસ્થિતિમાં 1056 ખેડૂતોને વીજળીનો લાભ આપવા યોજેલા કાર્યક્રમમાં વીજળી જ ન હતી. સમગ્ર કાર્યક્રમ જનરેટર પર ચાલ્યો હતો. જેણે સરકારની યોજનાની આરંભે જ હવા કાઢી નાખી હતી.
ગુજરાત સરકારની જ વીજ કંપનીના અધિકારીઓની લાપરવાહી આવી સામે
ગુજરાતમાં રાત્રીના સમયે ખેતી માટે મળતી વીજળીથી ખેડૂતો નારાજ હતા. જેમાં સરકારમાં સવારે વીજળી આપવાની માંગણી હતી. રાજ્ય સરકારે ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ કર્યો છે. જેને સરકારના પ્રધાનો દ્વારા તાલુકા-તાલુકાએ જઈને લાભાર્થી ખેડૂતને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. શુક્રવારે નવસારીના ચીખલી તાલુકાના 1056 ખેડૂતો માટે રાજ્ય આરોગ્ય પ્રધાને કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરાવ્યો હતો. પરંતુ અહીં મહત્વની વાત એ રહી કે, વીજળીનો લાભ આપવાના કાર્યક્રમમાં વીજળી જ ન હતી. વીજ કંપનીના અધિકારીઓની બેદરકારીને કારણે સમગ્ર કાર્યક્રમ જનરેટર પર ચાલ્યો હતો. જેથી ખેડૂતોને વીજ કંપની સવારે વીજળી આપશે કે કેમ ? એવા સવાલો ઉપસ્થિત ખેડૂતોમાં ચર્ચાયો હતો.
આરોગ્ય પ્રધાને ભાજપ સરકારની વાહવાહી કરી, વીજ કંપનીએ હવા કાઢી!
ચીખલીના કિસાન સૂર્યોદય કાર્યક્રમમાં ખેડૂતોને સવારે વીજ પુરવઠાનો લાભ આપવા આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ભૂતકાળની કોંગ્રેસની સરકારની કામગીરી સામે ભાજપા સરકારની કાનગીરીના લેખાજોખા ગણાવીને વર્તમાન સરકારની વાહવાહી કરી હતી. પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની કે, જેણે ખેડૂતોને સવારે વીજ પુરવઠો આપવાનો છે, એણે દિવસના યોજાયેલા યોજનાના કાર્યક્રમમાં જ વીજળી ન આપી સરકારના દાવાની હવા કાઢી નાંખી હતી!
વંકાલ અને ચીમલા ફીડરના 10 ગામોના ખેડૂતોને મળશે સૂર્યોદય યોજનાનો લાભ
ચીખલી તાલુકામાં આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના હસ્તે શરૂ કરાયેલી કિસાન સૂર્યોદય યોજનામાં વંકાલ ફીડર સંલગ્ન આવતા વંકાલ, મલવાડા, મજીગામ અને હોન્ડ તેમજ ચીમલા ફીડર અંતર્ગત આવતા તલાવચોરા, તેજલાવ, બલવાડા, ચીમલા મળીને 10 ગામોના એક હજાર 56 ખેડૂતોને લાભ મળશે.