- ભારે પવનો સાથે વરસાદી માહોલ બનતા વીજળી થઈ ડૂલ
- ભારે પવનોને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી
- કમૌસમી વરસાદ થતાં કેરીના પાકને નુકસાનની ભીતિ
નવસારીઃ રાજ્યના દરિયા કિનારે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં રવિવારે બપોર પછી વાવાઝોડાની પૂર્વ અસર શરૂ થઈ હતી. જિલ્લામાં ભારે પવનો સાથે વરસાદ શરૂ થયો હતો અને પવનોને કારણે કેટલાક જગ્યાએ વૃક્ષો પણ ધરાશયી થયા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં તૌકતેની અસરઃ ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ
52 કિલોમીટરના દરિયા કિનારે વાવાઝોડાની અસર વર્તાશે
અરબ સાગરમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે ઉઠેલું તૌકતે વાવાઝોડું 18 મેએ વહેલી સવારે ગુજરાતના કાંઠે ટકરાવાની સંભાવના છે. નવસારીના 52 કિલોમીટરના દરિયા કિનારે પણ વાવાઝોડાની અસર વર્તાશે ત્યારે બે દિવસ પૂર્વે રવિવારે બપોર બાદ તૌકતે વાવાઝોડાની અસર શરૂ થઈ છે, જેમાં દરિયા કાંઠાના ગામડાઓ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં સવારથી જ બફારાને કારણે ભારે ઉકળાટ અનુભવાતો હતો, પરંતુ બપોર બાદ શરૂ થયેલા વરસાદે ગરમીથી થોડી રાહત આપી હતી. જોકે, ભારે પવનોને કારણે જ્યારે વરસાદી માહોલને જોતા જિલ્લા તંત્ર પણ સતર્ક બન્યું છે.
આ પણ વાંચોઃ વાપીમાં તૌકતે વાવાઝોડાના પગલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
જિલ્લાના દૂધિયા તળાવ પાસે 100 વર્ષ જૂનો વડ તૂટી પડ્યો
નવસારીમાં તૌકતે વાવાઝોડાની અસરના પગલે ફૂંકાયેલા ભારે પવનો અને વરસાદી ઝાપટાના કારણે જિલ્લામાં ઘણી જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેમાં નવસારી શહેરની મધ્યમાં આવેલા 100 વર્ષથી પણ વધુ જુનું વડનું તોતિંગ વૃક્ષ ધરાશયી થયુ હતું. જોકે,ઝાડ રસ્તા પર પડતા જાનહાની ટળી હતી. ઝાડને હટાવવા નવસારી પાલિકાના ફાયરના જવાનોએ કટરથી કાપીને હટાવ્યું હતું. જોકે, થોડી વાર માટે પાલિકા તરફના વાહન વ્યવહારને અસર થઈ હતી.