- જલાલપોરના ભુતસાડ, ગણદેવીના મોહનપુર અને વાંસદાના કેલીયા ગામમાં 100 ટકા રસીકરણ
- જિલ્લાના આઠ ગામોમાં 90 ટકાથી વધુ રસીકરણ
- 33.40 ટકા લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો
નવસારી: કોરોનાને નાથવા માટે વેક્સિન કારગર સાબિત થઈ શકે છે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવા પૂર્વે વધુમાં વધુ લોકો કોરોનાની રસી (corona vaccine) લઇ સુરક્ષિત થાય એ માટે સરકારે ચલાવેલા રસીકરણ મહાઅભિયાનમાં નવસારી જિલ્લાના ગામડાઓના લોકો જાગૃતતા દેખાડી રહ્યા છે. જેના પરિણામે દોઢ મહિનામાં જિલ્લાના 18 કરતા ઉપરના 1.68 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 33.40 ટકા લોકો બીજો ડોઝ લઈને સુરક્ષિત થયા છે.
આ પણ વાંચો: સમગ્ર વિશ્વ Corona virusની ત્રીજી લહેરના શરૂઆતી તબક્કામાં પહોંચ્યું, WHOની ચેતવણી
આદિવાસી વિસ્તારના ગામડાઓમાં પણ કોરોના રસીને લઇ આવી જાગૃતિ
નવસારી જિલ્લામાં એપ્રિલ 2020 માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી આજદિન સુધીમાં કુલ 7170 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જેમાં સૌથી વધુ લોકો કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ થયા હતા અને મૃત્યુ દર પણ વધુ રહ્યો હતો. જેથી કોરોનાની સંભવીત ત્રીજી લહેરમાં જાનહાનિ ટાળવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર આગોતરા પગલાં ભરી રહી છે. જેમાં વધુમાં વધુ કોરોના રસીકરણ થાય એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.
જેમાં નવસારીના નાગરિકો પણ કોરોના રસી લેવામાં જાગૃતતા દાખવી રહ્યા છે. જેના કારણે જ્યાં ગામડાઓમાં કોરોના રસી પ્રત્યે શંકાઓ હતી, ત્યાં વધુ વેક્સિનેશન થઈ રહ્યું છે. જેમાં જલાલપોર તાલુકાનુ ભુતસાડ ગામ 100 ટકા કોરોના રસીકરણ સાથે જિલ્લાનું પ્રથમ ગામ બન્યુ હતું. ત્યારબાદ ગણદેવી તાલુકાનું મોહનપુર ગામ અને વાંસદા તાલુકાનું અંતરિયાળ કેલીયા ગામ પણ 100 ટકા વેક્સિનેશન સાથે જિલ્લાનુ ત્રીજા નંબરનું ગામ બન્યું છે. જ્યારે જિલ્લાના અન્ય ગામોમાં 90 ટકાથી વધુ કોરોના રસીકરણ થઈ ચૂક્યુ છે.
આ પણ વાંચો: Corona Vaccination Campaign: વિશ્વ યોગ દિને વેક્સિનેશનમાં સુરત રાજ્યમાં અવ્વલ રહ્યું
જિલ્લામાં 42.94 ટકા લોકોએ પ્રથમ અને 33.40 ટકા લોકોએ લીધો બીજો ડોઝ
નવસારી જિલ્લામાં 1 જૂનથી 18 થી 44 વર્ષના યુવાનોને કોરોના રસી આપવાની શરૂઆત થઇ હતી. ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લામાં 27 ટકા એટલે કુલ 1.68 લાખ યુવાનો કોરોના રસીનો પ્રથમ ડોઝ (The first dose of corona vaccine)લઈ ચૂક્યા છે. જ્યારે 45 વર્ષથી ઉપરના 70 ટકા લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જેની સાથે 18 વર્ષથી ઉપરના કુલ 34.40 ટકા એટલે કે 1.44 લાખથી વધુ લોકો કોરોનાનો બીજો ડોઝ લઈ સુરક્ષિત થયા છે.
ઓછી વેક્સિન મળવા છતાં જિલ્લામાં કોરોના રસી લેવા પ્રત્યે જાગૃતિ વધી
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોના રસીના ઓછા ડોઝ મળવાને કારણે જિલ્લામાં રસીકરણ અભિયાન ધીમું પડયું છે. તેમ છતાં જિલ્લામાં રોજના 4500 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે. જેથી સંભવિત ત્રીજી લહેર પૂર્વે નવસારીવાસીઓને કોરોના રસીનુ કવચ મળી જાય તો જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં અટકે અને મૃત્યુદરને પણ અટકાવી શકાય.