- 60 હજારના લાકડા સાથે ટેમ્પોચાલકની અટકાયત
- ટેમ્પો આગળ પાયલોટિંગ કરતા બાઈક ચાલકને પણ વનવિભાગે પકડ્યો
- વનવિભાગે લાકડા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
નવસારી : વાંસદા વન વિભાગની પશ્ચિમ રેન્જના ઓફિસર જે. ડી. રાઠોડને બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના અનાવલ ગામ તરફથી ગેરકાયદે ખેરના લાકડાનો જથ્થો ભરી એક ટેમ્પો વાંસદા તરફ આવી રહ્યો છે. જેને આધારે RFO રાઠોડ અને તેમની ટીમે અનાવલ-ચીખલી માર્ગ પર સુરખાઇ ગામ પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળા ટેમ્પાની આગળ એક બાઈક પાયલોટિંગ કરતી જોવા મળી હતી. જેથી વન વિભાગની ટીમે બાઇકને અટકાવ્યા બાદ ટેમ્પોને અટકાવી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : નાનાપોંઢા જંગલ વિભાગ ફિલ્મીઢબે કર્યો કારનો પીછો કરી ખેરનો જથ્થો ઝડપી પાડ્યો
ટેમ્પોમાં 60 હજાર રૂપિયાના ત્રણ ટન ખેરના લાકડા મળી આવ્યા
વન વિભાગની તપાસમાં ટેમ્પોમાં 60 હજાર રૂપિયાના ત્રણ ટન ખેરના લાકડા મળી આવ્યા હતા. જેના ટેમ્પો ચાલક પાસે કોઈ બિલ કે અન્ય પૂરાવા ન હતા. જેથી વન વિભાગે ટેમ્પોચાલક દેવુ પટેલ અને પાયલોટિંગ કરતી બાઇકના ચાલક ગ્યાસુદ્દીનની અટકાયત કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી 3 ટન ખેરના લાકડા અને ત્રણ લાખ રૂપિયાનો આઈસર ટેમ્પો મળી કૂલ 3.6 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ બાબતે વાંસદા પશ્ચિમ રેન્જ વન વિભાગે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : છોટાઉદેપુર વન વિભાગે ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો, 4ની કરી અટકાયત