- ઝાડ પડતા આસ-પાસથી દોડી આવેલા લોકોએ ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો
- મહિલા પોલીસને આપેલી જીપમાં ખરાબી જણાતા રીપેરીંગ માટે લઈ જવાતી હતી
- વરસાદી માહોલમાં ઝાડ પડવાને કારણે પોલીસ જીપને થયુ નુકસાન
નવસારીઃ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સવારે 10 વાગ્યે ભારે પવન સાથે પડતા વરસાદમાં એરૂ ચાર રસ્તાથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ તરફ જતી પોલીસ જીપ પર અચાનક તોતિંગ ઝાડ પડતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, ઘટનામાં ડ્રાઈવરનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો- Patan Rain Update: પાટણમાં ચોમાસાના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
મહિલા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીપમાં ખામી સર્જાઈ હતી
હવામાન વિભાગની આગાહી અનુસાર, નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ગઈકાલે રાતે મહિલા પોલીસને પેટ્રોલિંગ માટે આપવામાં આવેલી પોલીસ જીપના દરવાજામાં ખામી સર્જાતા પાણી ગળતું થયું હતું. આ અંગેની જાણ પોલીસ વિભાગના MT શાખાના PSI એસ. આઈ.ને કરવામાં આવતા તેમણે ડ્રાઈવર જયેશ ગાવિતને જીપ લઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલા MT શાખાના રિપેરીંગ સેન્ટર પર બોલાવ્યો હતો.
આ પણ વાંચો- rain news : સુરત જિલ્લાના કુદસદમાં ઠેર ઠેર પાણી ભરાયા
રામ રાખે તેને કોણ ચાખે, કહેવત સાચી ઠરી
તે દરમિયાન ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદી માહોલમાં ડ્રાઈવર જયેશ ગાવિત પોલીસ જીપ લઈ એરૂ ચાર રસ્તાથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ તરફ આગળ વધ્યો, ત્યાં અચાનક ભારે પવનને કારણે એક તોતિંગ ઝાડ જીપ ઉપર પડતા તેનો વચ્ચેથી કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો તથા રાહદારીઓ જીપ પાસે દોડી આવ્યા હતા અને જીપમાં ફસાયેલા ડ્રાઈવર જયેશને સહી સલામત બહાર કાઢ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, તોતિંગ ઝાડ ડ્રાઈવર સીટથી નજીક પડ્યું હોવા છતાં ડ્રાઈવર જયેશ ગાવિતને જરા પણ ઇજા થઇ ન હતી. આથી ઘટનામાં રામ રાખે તેને કોણ ચાખે ની કહેવત સાચી ઠરી હતી.