- નદીઓમાં પાણીની આવક વધતા જિલ્લાના ઘણા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
- ખેરગામના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા અને તાન નદીમાં પૂરની સ્થિતિ
- ઔરંગા નદી પરના 3 બ્રિજ પાણીમાં ગરકાવ થતા 30થી વધુ ગામો પ્રભાવિત
નવસારી : મેઘાની હવે પાછા વળવાની તૈયારી છે, પરંતુ અંતિમ દિવસોમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. નવસારી સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ છે. જેમાં ખેરગામ અને વલસાડ જિલ્લાની સરહદો પરથી પસાર થતી ઔરંગા અને તાન નદીમાં પાણીની આવક વધતા પુરની સ્થિતિ બની છે. જેને કારણે ઔરંગા અને તાનના લો લેવલ પુલ કે કોઝવે પાણીમાં વર્કઆવ થતા ખેરગામ-ધરમપુર-વલસાડના 30 થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે.
પાટી-ખટાણાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતા દૂધ ભરવા 15 કિમીનો ચકરાવો
નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ઓછો વધતો વરસાદ નોંધાયો છે. જેમાં પણ બે રાતથી વરસાદ જામતા જિલ્લાના 4 તાલુકાઓ પાણી-પાણી થયા છે. સાથે જ ઉપરવાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ લોકમાતાઓમાં પાણીની આવક વધી છે, જેમાં ખેરગામ તાલુકાની તાન અને ઔરંગા નદી બંને કાંઠે થતા પુરની સ્થિતિ બની છે. જેને કારણે ખેરગામના પાટી-ખટાણા, ચીમનપાડા-મરઘમાળ અને નાંધઈ-મરલાને જોડતા લો લેવલ કે કોઝવે પાણીમાં ડૂબી જતાં ત્રણેય પુલથી આવન-જાવન કરતા 30 થી વધુ ગામડાઓના ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં પણ પાટી-ખટાણાના ગામ લોકોને પુલથી અડધો કિમીનું અંતર પાર કરી, દૂધ ભરવા જતા હતા, એ ગ્રામજનોએ પુલ નદીના પાણીમાં ગરકાવ થતા 15 કિલોમીટરનો ચકરાવો મારવો પડ્યો છે. આજ પ્રમાણે ધરમપુરથી ખેરગામ આવતા મોટાભાગના લોકોને ઔરંગા અને તાનમાં પુરની સ્થિતિ સર્જતાં મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં પૂરના પાણી ઓસરવાની સંભાવના ઓછી
નવસારીના ખેરગામ તાલુકામાં ગત રાતથી સવારે 4 વાગ્યા સુધીમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદથી સાંજે 6 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જેની સાથે જ ઉપરવાસના જિલ્લાઓમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે તાન અને ઔરંગા નદીમાં આવતી કાલ સુધી પુરના પાણી ઓસરવાની સંભાવના દેખાતી નથી.