- માતાના આશિર્વાદથી પ્રધાન પદ સુધી પહોંચ્યા: પત્ની ભારતીબેન
- નરેશભાઈને પ્રધાન બનાવતા નવસારીના કાર્યકરોમાં ઉત્સાહ સાથે ખુશી
- પ્રધાન નરેશભાઈનું અભિવાદન કહેવા જિલ્લાના ભાજપી આગેવાનો ગાંધીનગર પહોંચ્યા
નવસારી : ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં આજે 24 પ્રધાનોએ શપથ લીધા છે. જેમાં 10 કેબિનેટ પ્રધાનોમાંથી નવસારીના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ પ્રધાન પદના શપથ લેતાં પરિવારજનો સહિત કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ નરેશ પટેલની વરણી મોં મીઠું કરી અને ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ વધાવી લીધી હતી.
પ્રધાન નરેશ પટેલના જીવનમાં માતાની રહી અહંમ ભૂમિકા
પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાના વ્હાલ સાથે ઉછરેલાં નરેશ પટેલ પરિવારના સૌથી નાના અને લાડકા પુત્ર છે. ખેતી કરતા-કરતા રાજકારણનો રંગ લાગ્યો અને 20 વર્ષ અગાઉ ચીખલીના પીઢ ભાજપી કાનજી પટેલની સાથે કામ કર્યુ હતુ. દરમિયાન વર્ષ 2007 માં પ્રથમવાર ચીખલી વિધાનસભા પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નરેશ પટેલનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા પૂર્વે વિધાનસભાના સીમાંકન બદલાતા નવસારી જિલ્લાની 5 વિધાનસભામાંથી ચીખલી વિધાનસભા નીકળી ગઈ હતી. જેને કારણે ચીખલી તાલુકાના અડધા ગામોને વાંસદા અને અડધા ગામોને ગણદેવી વિધાનસભામાં ભેળવી દેવામાં આવ્યા હતા.
નરેશભાઈ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ રહ્યા હતા
નરેશભાઈએ વર્ષ 2012 માં વાંસદા વિધાનસભા પરથી કોંગ્રેસના અનંત પટેલ સામે દાવેદારી નોંધાવી હતી, પરંતુ કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદામાં નરેશભાઈએ હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હાર્યા બાદ પણ નરેશ પટેલ સતત બે ટર્મ કરતા વધુ સમય માટે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ રહ્યા હતા અને સંગઠનને મજબૂત બનાવી, ભાજપની મતની ટકાવારીમાં વધારો કરવામાં સફળ રહ્યા હતા.
પૂર્વ પ્રધાન મંગુભાઇ ઉંમરના લીધે ચુંટણી ન લડ્યા, જેનો લાભ નરેશ પટેલને મળ્યો
ગણદેવી વિધાનસભા પર પૂર્વ કેબીનેટ પ્રધાન મંગુભાઇ પટેલ ઉંમરના કારણે વર્ષ 2017 માં કપાયા હતા. જેનો લાભ નરેશ પટેલને મળ્યો અને નરેશ પટેલ ગણદેવી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. જેને પાંચ વર્ષ પૂર્ણ કરે એ પૂર્વે નરેશભાઈનું પ્રધાન બનવાનું સપનું પુરૂ થયુ અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબીનેટ પ્રધાન પદ મળ્યું છે. 20 વર્ષની રાજકીય કારકિર્દીમાં નરેશ પટેલને કેબીનેટ પ્રધાન બનાવાતા પરિવારજનોમાં ઉત્સવ સાથે ખુશી જોવા મળી રહી છે. નરેશભાઈના પત્ની ભારતીબેને માતાના આશિર્વાદથી નરેશ પટેલ આ પદે પહોંચ્યા હોવાનું જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે પુત્રી કામિનીએ પણ આદિવાસી વિસ્તારના નેતા હોવાથી નાનાથી મોટા કોઈપણ વ્યક્તિના સતત કામ કરતા રહેતા હોવાથી પપ્પાને પ્રધાન પદ મળ્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ તેમના પ્રેરણાસ્ત્રોત હોવાનું પણ જણાવ્યું હતુ.
નરેશ પટેલની પ્રધાન પદની વરણીને કાર્યકર્તાઓએ વધાવી
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન બનતા ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના આગેવાનોએ નરેશ પટેલની શપથવિધિમાં જોડાવા માટે સવારથી ગાંધીનગરની વાત પકડી ચૂક્યા હતા. જ્યારે અન્ય કાર્ય કરતા હોવાથી ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડી એક બીજાનું મોં મીઠું કરાવ્યું હતું. નરેશ પટેલના ગામ રુમલાના સરપંચ દેશમુખે અયોધ્યામાં રામ પરત ફર્યા ત્યારે જે ખુશી હતી એનાથી વધુ ખુશી હોવાનું જણાવી નરેશ પટેલની વરણીને વધાવી લીધી હતી.