ચીખલીઃ શહેરના સર્કિટ હાઉસથી મામલતદાર ઓફિસ સુધી જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ કરી રેલી યોજાઈ હતી. આ રેલીમાં જ્ઞાન સહાયક યોજના બંધ કરી શિક્ષકોની ભરતી કાયમી કરવામાં આવે તેવું આવેદન પત્ર મામલતદારને સોંપવામાં આવ્યું હતું. આ વિરોધ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પગપાળા જોડાયા હતા.
શિક્ષકો આકરાપાણીએઃ રાજ્યભરમાં અગિયાર મહિના ના જ્ઞાન સહાયક નિયમો સામે શિક્ષકો એ રણશિંગુ ફૂંક્યું છે. સરકારના નિયમો સામે શિક્ષકો માર્ગો પર ઉતરી પડ્યા છે. જિલ્લામાં તમામ તાલુકામાં એક પછી એક સરકાર વિરૂદ્ધ માં રેલી નીકળી ને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારી શિક્ષક બનવા માટે જે ઉમેદવારોએ પોતાનું જીવન ખર્ચી કાઢ્યું તે ઉમેદવારોને 11 મહિના નોકરી કરાવીને ઉતારી દેવામાં આવે છે. તો આ ઉમેદવારોના ભવિષ્યનું શું તેવા આકરા સવાલો આંદોલનકારીઓ રાજ્ય સરકારને પુછી રહ્યા છે.
કૉંગ્રેસી ધારાસભ્યનું સમર્થનઃ જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે. રાજ્ય સરકાર સામે અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં ચીખલીના શિક્ષિત બેરોજગારો પણ જોડાયા હતા. તેમણે એક રેલી કાઢીને, બેનર પ્રદર્શિત કરીને અને જ્ઞાન સહાયક યોજના પાછી ખેંચવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર આંદોલનને કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સમર્થન આપ્યું હતું.
અમે જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ કરીએ છીએ. કોઈપણ કાળે આ ભરતીને રદ કરવામાં આવે અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં તો બીજી તરફ સરકાર શિક્ષકોની માંગણી સંદર્ભે પોકળ વાતો કરી રહી છે...અનંત પટેલ(ધારાસભ્ય, વાંસદા)
અમે જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી મહેનત કરીને ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જશે. તેમનું ભાવિ અંધકારમય બની જશે. જેથી અમે આ ભરતીનો સખત વિરોધ કરીએ છીએ. જો અમારી માંગણીઓને સંતોષવામાં નહિ આવે તો અમે ગાંધીમાર્ગે પણ જઈશું...નીતાબેન પટેલ(નોકરીવાંચ્છુ, ચીખલી)