નવસારી : મૂળ નવસારીના અને હાલ લંડનમાં સ્થાયી થયેલા સલીમ ભાઈ નો પતંગ સાથે અનહદ પ્રેમ જે તેઓ છેલ્લા 28 વર્ષથી ઉતરાયણ ના સમયે સાત સમંદર પાર લંડન થી ભારત ખેંચી લાવે છે. તેમનો પતંગ પ્રેમ સામાન્ય પતંગ ચગાવનાર કરતાં ઘણો મોંઘો છે. લંડનથી ભારત આવી તેઓ ભારતના સૌથી જૂના લખનઉ, બરેલી, રામપુર, મેરઠ, કલકત્તા જેવા શહેરના ખ્યાતનામ પતંગ બનાવનાર ઉસ્તાદો પાસેથી વિશેષ પ્રકારના પતંગો ઓર્ડર દ્વારા મંગાવે છે. આ દરમિયાન તેમના અન્ય મિત્રો પણ તેઓ યુકે, બોસવાના, કોંગો, દુબઈ, સાઉથ આફ્રિકા જેવા મુલ્ક માંથી ઉતરાયણની મજા માણવા માટે ભારત આવી નવસારી ખાતે સૌ ભેગા મળીને ઉત્તરાયણની ભવ્ય રીતે મજા માણે છે.
વિદેશ માંથી વતન આવી ઉજવણી કરે છે : રાજ્યમાં ઉજવાતો ઉતરાયણનો પર્વ દેશ અને વિદેશમાં પ્રચલિત છે, જે ગુજરાતની એક આગવી ઓળખ ઉભી કરે છે. મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ તહેવાર ઉજવવા માટે લોકો ખાસ પ્રકારનું આયોજન પણ કરતા હોય છે અને 14 જાન્યુઆરીના રોજ ગુજરાતીઓ અન્ય રાજ્યોમાં સ્થાયી થયા હોય તો ત્યાંથી અચૂક પોતાના વતન આવી પતંગ ઉડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી જરૂર કરતા હોય છે.
મને નાનપણથી જ પતંગ ચગાવવાનો શોખ હોવાને કારણે હું લંડન સ્થાયી થયા બાદ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે છેલ્લા 30 વર્ષથી અચૂક નવસારી આવું છું. ખાસ પ્રકારના પતંગો ઉડાવું છું જે લેજેન્ડરી કારીગર કહેવાય તેવા લખનૌના અલી નવાબ, ઇરફાન ખાનદાની, ઉસ્તાદ શંકર લખનઉ, કન્નાઈદા કલકત્તા, બાબુ ખાન જયપુર, વિલિયમ કલકત્તા, મસરુર રામપુર, અઝગાર મેરઠ, જેવા વર્ષો જૂના ખ્યાતનામ કારીગરોના પતંગો હું રૂબરૂ લેવા માટે જાઉં છું અથવા તો ઓર્ડર મુજબ મંગાવું છુ. જેમાં સૌથી ઉચ્ચ કક્ષાના પતંગ અલી નવાબ લખનઉના હોય છે જે સામાન્ય માણસના હાથમાં આ પતંગો પહોંચતા નથી. જ્યારે હું પતંગના દોરા કાનપુરના સ્પેશિયાલિસ્ટ વિરુભાઈ પાસે સબાબ મિંયાણા 30 વર્ષ જૂના માંજાઓ મંગાવું છું. જેની કિંમત 10,000 વાર રીલ ના રુપિયા 4,000 થી 5,000 રૂપિયા સુધીના હોય છે. જેથી ઉતરાયણના પર્વ પર અંદાજિત 1,50,000 જેટલો ખર્ચ મને થાય છે. - સલીમભાઈ સૈયદ
પતંગ ની વિશેષતાઓ : અન્ય રાજ્યોમાંથી મંગાવેલા પતંગો સામાન્ય પતંગો કરતા વિશેષ પ્રકારના પેપર માંથી તૈયાર કરવામાં આવે છે. જેમાં જર્મન પેપર, બલરપુર ત્રીપલ વન અજંતા કંપનીના પેપર હોય છે. આ પતંગોમાં વિશેષ લાકડાની કામડીથી તૈયાર થાય છે. પતંગ પર કરેલી ડિઝાઇન હેન્ડ મેડ હોય છે, જેથી એક પતંગ તૈયાર કરવામાં ઘણો સમય લાગતો હોય છે. આ પતંગોને અંદાજે 10 વર્ષ સુધી સાચવીને રાખવામાં આવે તો તે તેમાં યુઝ થયેલી લાકડાની કામળી અને કાગળ ખરાબ થતા નથી. જે અંદાજે એક પતંગ 70 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો હોય છે. આ પતંગો ચગાવવામાં ઘણા સરળ હોય છે અને ચગી ગયા બાદ હાથના ઇશારે આ પતંગો કામ કરે છે, જેથી પતંગ રસિકો ચગાવવામાં આસાની થાય છે. આવી વિશેષ પ્રકાર ની ખાસિયત ના કારણે આ પતંગોની ડિમાન્ડ ખૂબ હોય છે અને તેની કિંમત પણ વધુ હોય છે. આ પતંગોને બરેલીની દોરી સિક્સ કોડ ફોર કોટિંગથી ચગાવવામાં આવે છે જેના કારણે હાથમાં ઈજા પહોંચવાની સંભાવના પણ ઓછી રહે છે.