નવસારી: જિલ્લાના બીલીમોરા નજીક આવેલા મોરલી ગામે રેતીની લીઝ બાબતે થયેલી જૂથ અથડામણ થઈ હતી. એક જૂથના યુવાનને 10 જેટલા યુવાનો માર મારીને નાસી ગયા હતા. જે અંગે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
લોખંડ તથા લાકડાના ફટકા વડે હુમલો: અત્રોજ ગૌરવ ચોટલીયા નામનો એક યુવાન તેના બે મિત્રો સાથે મુરલી ગામે આવેલી રેતીની લિઝ પર પહોંચીને રોડ બનાવડાવી રહ્યો હતો. તે દરમિયાન એક ફોરવીલ કારમાંથી ચાર યુવાનોએ ગૌરવ પાસે આવી અને રેતીની લીઝ બાબતે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન મામલો બીચકતા બીજી ત્રણ ફોરવીલમાંથી ચાર-પાંચ નામના યુવાનો ઊતરી આવ્યા હતા અને તેમણે ગૌરવ પર લોખંડ તથા લાકડાના ફટકા વડે હુમલો કરતા ગૌરવ ચોટલીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ બનાવ બાદ હુમલો કરનાર દસ લોકો સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. ત્યારે આ બનાવ અંગે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાકીના આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓમાં અરુણ ઓડ, મિતેષ ઓડ, રોહિત ઓડ, નિલેશ ઓડ, કિરણ ઓડ, સાંગી,પ્રવીણ ,જીગર, કે.પી.અનિલ ઓડ સહિત કુલ 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બીલીમોરાના મુરલી ગામે રેતીની લીસ બાબતે ગૌરવ ચોટલીયા નામના વ્યક્તિ પર 10 જેટલા ઈસમોએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ફરિયાદના આધારે ગંભીર રીતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. જે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને બેથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને લઈને અમે હાલ એફએસએલની મદદ લઈને જો ફાયરિંગ થયું હોય તે બાબતે સર્ચ કરાવી કારતુસ કે બીજા કોઈ નિશાનો મળી આવશે તો એ મુજબની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. - એસ કે રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી