નવસારી : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પોતાના સેવાકાર્ય માટે જાણીતા છે. ત્યારે આ વખતે તેઓએ પાયથન પ્રજાતિના નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કર્યો હતો મોર્નિંગ વોક માટે નીકળેલા ધારાસભ્ય અનંત પટેલને એનિમલ રેસ્ક્યુ ટીમના માધ્યમથી માહિતી મળી હતી કે, નવ ફૂટ લાંબો અજગર વાંસદા તાલુકાના ગામમાં રહેતા મયુર પટેલના ઘરમાં ઘૂસ્યો છે.
મહાકાય અજગર : રહેણાંક વિસ્તારના ઘરમાં અજગર ઘૂસ્યો હોવાની જાણ થતા જ ધારાસભ્ય અનંત પટેલ એનિમલ રેસ્ક્યુ ટીમ સાથે અજગર પકડવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતે જ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં અજગરને સહી સલામત સ્થળે છોડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ધારાસભ્ય કર્યું રેસ્ક્યુ : અનંત પટેલ જ્યારે મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા ત્યારે તેમનો ભેટો વહેલી સવારે જ એનિમલ રેસ્ક્યુની ટીમ જોડે થયો હતો. વાંસદા તાલુકાના શિંધય ગામમાં રહેતા મયુર પટેલના ઘરમાં નવ ફૂટ લાંબો પાયથન પ્રજાતિનો અજગર ઘૂસી આવ્યો હતો. આ વાતની જાણ થતા જ તેઓ પણ તાત્કાલિક રેસ્ક્યુ ટીમ જોડે શિંધય ગામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં સ્થાનિકના ઘરમાં ઘૂસેલા પાયથન પ્રજાતિના અજગરનું રેસ્ક્યુ કરવા માટે ધારાસભ્ય અનંત પટેલ પ્રથમ આગળ આવ્યા હતા. પ્રથમ પ્રયાસમાં જ અજગરનું રેસ્ક્યુ કરી બાદમાં તેને સલામત સ્થળે મુક્ત કર્યો હતો.
અજગરને મુક્ત કર્યો : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આમ તો પોતાના અલગ અલગ આંદોલન માટે જાણીતા છે. અનંત પટેલ પણ પોતે તેમના ગામની એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્ય છે. આ મુદ્દે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં આવતા પહેલાં હું જંગલ ક્લબ નામની સંસ્થાનો સભ્ય હતો. જેમાં જંગલી પશુ અને પ્રાણીઓ સુરક્ષિત રીતે રહેણાંક વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરીને જંગલમાં મુક્ત કરવાની કામગીરી કરી છે. આજે પણ અમારા ગામની એનિમલ રેસ્ક્યુ ટીમનો સભ્ય છું. જ્યારે પણ તેઓને મારી મદદની જરૂર પડે છે, ત્યારે હું અચૂક તેઓની મદદ માટે તૈયાર રહું છું.