- ફાર્મમાં ઉંદર પકડવા મુકેલા પાંજરામાં જંગલી બિલાડી ફસાઈ
- ગણદેવી વન વિભાગે બિલાડીનો કબ્જો લઇ, જંગલમાં છોડીં
- દિપડાઓની દહેશત વચ્ચે અન્ય જંગલી પશુઓની પણ ભીતી વધી
નવસારી: નવસારી જિલ્લામાં વર્ષોથી શેરડી અને ડાંગરની કાપણી સમયે દિપડાઓ દેખાવા સામાન્ય થઇ જાય છે. જેને કારણે નદી, નાળા, કોતરો નજીકના ગામડાઓ અને ખેતરો નજીકના ઘરોમાં દિપડાના આંટા-ફેરા વધી જાય છે અને ગામડાઓના પાલતુ પશુઓને દિપડાઓ પોતાનો શિકાર બનાવતા હોય છે. પરંતુ દિપડાઓના ડર વચ્ચે જંગલી બિલાડીઓ પણ દેખાવા માંડી છે. થોડા દિવસોથી નવસારીના ગણદેવી તાલુકાના બીગરી ગામે મામાદેવ ફળિયામાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં કોઈક હિંસક પ્રાણી મરઘાનો શિકાર કરી જતો હતો. ફાર્મ માલિકે પ્રાથમિક સ્તરે મોટા ઉંદરને પકડવાના પાંજરાને ગોઠવ્યુ હતુ. જે પાંજરામાં શિકારની શોધમાં ફરતી જંગલી બિલાડી ફસાઈ હતી.
ગણદેવી વન વિભાગને ઘટનાની જાણ કરી
ફાર્મના માલિકને પાંજરામાં જંગલી બિલાડી ફસાઈ હોવાની જાણ થતા, તેમણે ગણદેવી વન વિભાગને (Ganadevi Forest Department) ઘટનાની જાણ કરી હતી. ગણદેવી વન વિભાગના RFO અલ્કેશ પટેલ અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી, જંગલી બિલાડીનો કબ્જો લીધો હતો. સાથે જ બિલાડીને ગણદેવીના એંધલ ડેપો ખાતે પહોંચાડી પશુ ચિકિત્સક પાસે તેની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ બિલાડીને જંગલમાં છોડી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: ગણદેવીના ખેરગામમાં વિચિત્ર ઘટના, એક સાથે દીપડો-દીપડી પાંજરે પુરાયા
ગણદેવી વન વિભાગના RFO અલ્કેશ પટેલે જણાવ્યુ
ગણદેવી વન વિભાગના (Ganadevi Forest Department) RFO અલ્કેશ પટેલે જણાવ્યુ કે, વન વિભાગ સામાન્ય રીતે જંગલી બિલાડીને પકડતુ નથી. દક્ષિણ ગુજરાતમાં નવસારી, બારડોલી જેવા વિસ્તારોમાં જંગલી બિલાડી દેખાવી સામાન્ય વાત છે. લાંબા સમયથી જંગલી બિલાડીઓ ખેતરો અને ગામડાઓમાં ફરતી દેખાઇ છે. જોકે બીગરી ગામે પોલ્ટ્રી ફાર્મ માલિકે ઉંદર પકડવાના મુકેલા પીંજરામાં પકડાઇ હતી. જેનો કબ્જો લઇ જરૂરી કાર્યવાહી કરી જંગલી બિલાડીને જંગલમાં છોડી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: કૃષિ યુનિવર્સિટી નવસારીની ટીમે નારગોલ ગામે કેરી અને ફણસની દેશી જાતનું નિરીક્ષણ કર્યું