- બે દિવસ અમલસાડ સહકારી મંડળી બંધ રહેતા અંદાજે દોઢ કરોડની સાયકલ ખોરવાઇ
- ખેડૂત આંદોલનને કારણે ગણદેવીના ખેડૂતોના હજારો મણ ચીકુને થયુ નુકશાન
- આંદોલનને કારણે ટ્રાન્સપોર્ટને અસર, ખેડૂતો સાથે વેપારીઓની ચિંતા વધી
નવસારી : ભારત સરકાર દ્વારા લાગુ થયેલા નવા કૃષિ કાયદાઓના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ દિલ્હી કૂચ કરી આંદોલનને ઉગ્ર બનાવ્યું છે. જેના કારણે કોરોના કાળમાં લાખોની નુકસાની વેઠીને બેઠા થયેલા ચીકુના ખેડૂતોને આ આંદોલન ફરી નુકસાન ન કરાવે એની ચિંતા સતાવી રહી છે. અમલસાડ સહકારી મંડળીમાં ઓક્ટોબરથી ચીકુની આવક શરૂ થતા, ગત સિઝનની સરખામણીએ બેથી ત્રણ ગણા ભાવો મળવાથી ખેડૂતો પાછલુ નુકસાન સરભર થવાની આશા સેવી રહ્યા છે. પરંતુ ખેડૂત આંદોલનને કારણે પ્રભાવિત ટ્રાન્સપોર્ટેશન ખેડૂતોની આશા નિરાશામાં ફેરવી શકે છે. જેથી આંદોલનકારી ખેડૂતો પોતે જ ચીકુ પકવતા અન્ય ખેડૂતોના દુશ્મન બન્યા હોવાના ભાવ સાથે આર્થિક નુકશાની વેઠવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
વર્ષે રૂ. 180 કરોડનું ટર્નઓવર, પણ ખેડૂત આંદોલનને કારણે નુકસાનની ભીતિ
નવસારીની અમલસાડ સહકારી મંડળીમાં ઠલવાતા રોજના હજારો મણ ચીકુ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હીના બજારોમાં પહોંચે છે. પરંતુ ખેડૂત આંદોલનને કારણે ટ્રાન્સપોર્ટ ખોરવાતા ચીકુને સ્થાનિક બજારોમાં ઠાલવવા પડે એવી સ્થિતિ બની છે, કારણ ચીકુ ફ્રોઝન કરી શકાતા નથી અને ત્રણ દિવસોથી વધુ દિવસ રહે, તો બગડવાની સંભાવના પણ છે. જેથી વર્ષે અંદાજે રૂ. 180 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતી અમલસાડ મંડળીને ખેડૂત આંદોલન લાંબુ ચાલે તો ખેડૂતો સાથે વેપારીઓને પણ મોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે.
![ખેડૂત આંદોલનને કારણે અમલસાડના પ્રખ્યાત ચીકુની મીઠાશ પડી ફીકી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-andolan-asar-chiku-rtu-gj10031_09122020085008_0912f_1607484008_9.jpg)
ટ્રાન્સપોર્ટ ઉપર આધારિત વેપાર, આંદોલનને કારણે સર્જાઇ શકે છે મુશ્કેલી
મહત્તમ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર આધારિત નવસારીના અમલસાડી ચીકુને ખેડૂત આંદોલનને કારણે મુશ્કેલી નડી રહી છે. જેથી ઉગ્ર બનેલું ખેડૂત આંદોલન લંબાય, તો નવસારીના અમલસાડી ચીકુની મીઠાશ ફીક્કી પડવાની સંભાવના નિશ્ચિત છે.
કોરોના કાળની સરખામણીએ સિઝનના પ્રારંભે પ્રતિ મણ ચીકુના ભાવ
- કોરોના કાળમાં ચીકુના ભાવ 150 રૂપિયાથી 300 રૂપિયા પ્રતિમણ
- સિઝનના પ્રારંભે ચીકુના ભાવ 600 રૂપિયાથી 900 રૂપિયા પ્રતિમણ
ચીકુની આવક મણમાં | સરેરાશ ભાવ (પ્રતિમણ) | કુલ આવક (અંદાજીત) |
10,000 | 750 રૂપિયા | 75 લાખ રૂપિયા |