- કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત ગુજરાત પ્રવાસે
- સંયુક્ત કિસાન મોર્ચાના નેતા રાકેશ ટિકૈત બારડોલીમાં સભા કરશે
- નવસારીના ખેડૂતોને તેમના ઘરે તેમજ પોલીસ મથકમાં નજરકેદ કરાયા
નવસારી: ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા સંઘર્ષમાં ગુજરાતના ખેડૂતોનું સમર્થન મેળવવા માટે 2 દિવસના ગુજરાત મુલાકાતે છે. પ્રવાસના બીજા દિવસે રાકેશ ટિકૈતની દક્ષિણ ગુજરાતના બારડોલીમાં સભા યોજવામાં આવી છે. નવસારી કોંગ્રેસ કિસાન મોરચા અને સેવાદળના સભ્યો તથા ખેડૂત સમાજના આગેવાનો સભા સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જ્યારે કોંગી ધારાસભ્ય અનંત પટેલે પોલીસના આ કૃત્યને દમનકારી ગણાવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત મુલાકાતે આવેલા રાકેશ ટિકૈત કોણ છે?
કૃષિ કાયદાના વિરોધમાં બારડોલીમાં સભા પૂર્વે જ ખેડૂતો સામે કાર્યવાહી
ભારત સરકારે ખેડૂતોના હિતની વાત કરીને 3 મહિના અગાઉ ત્રણ કૃષિ કાયદાઓ મંજૂર કર્યા છે. આ ત્રણેય કાયદાઓના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકાર અને સંયુક્ત કિસાન મોરચાના આગેવાનો વચ્ચેની બેઠકો નિષ્ફળ જતા કિસાન આગેવાનો દેશના અન્ય રાજ્યોમાં જઇને ખેડૂતોનું સમર્થન મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત 2 દિવસની ગુજરાત મુલાકાતે છે. મુલાકાતના બીજા દિવસે બારડોલી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં રાકેશ ટિકૈતની સભામાં ખેડૂતો હાજર જ ન રહે તે માટે રવિવારે મોડી રાતથી જ નવસારી જિલ્લાના કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ હિમાંશુ વશી તેમજ મોરચાના સભ્યો તેમજ કોંગ્રેસ સેવાદળના સભ્યો અને કોંગ્રેસ અને ભાજપ સમર્પિત ખેડૂતોથી બનેલા ગુજરાત ખેડૂત સમાજના નવસારીના ખેડૂત આગેવાનો સિદ્ધાર્થ દેસાઈ, પિનાકીન પટેલને પણ પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે.