નવસારીઃ સુરત આવન-જાવન કરતા લોકો દ્વારા કોરોના નવસારીમાં પ્રવેશ કરશેની દહેશત વચ્ચે નવસારીમાં સુરતના માર્ગે કોરોનાએ પ્રવેશ કર્યો હતો. જોકે ત્યારબાદ એક પછી એક જિલ્લાના જલાલપોર, ગણદેવી, નવસારી, ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં 14 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. પરંતુ જિલ્લાના શહેરો કોરોનાથી બચ્યા હતા. જોકે સુરત આવશ્યક સેવાઓ માટે જતા લોકોને કારણે શહેરમાં પણ કોરોના આવવાની સંભાવના વર્તાઈ રહી હતી. જે ગત શુક્રવારે નવસારીના વિજલપોર શહેરની અમરદીપ સોસાયટીમાં રહેતા અને સુરત કોર્પોરેશનમાં કામ કરતા 57 વર્ષીય જયેશ ગાંધીનો કોરોના પોઝિટિવ આવતા શહેરમાં પણ કોરોના પ્રવેશ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા અમરદીપ સોસાયટીને કાન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સોસાયટીના ગેટને પતરા લગાવી બંધ કરવામાં આવ્યા છે. સાથે જ લોકોને આવશ્યક સેવાઓ સોસાયટીના ગેટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે અને તમામ લોકોની આરોગ્ય કર્મીઓ દ્વારા આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે. જોકે એસેમસી કર્મીને કોરોના પોઝિટિવ આવતા ફરી નવસારીથી સુરત આવન-જાવન કરતા લોકોને અટકાવવાની માગ ઉઠી છે.
ગુજરાત સરકારે છૂટછાટો સાથે શરૂ કરેલા લોકડાઉન 4માં લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પરવાનગી લેવાની ન હોવાથી લોકોની અવર-જવર વધી છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી પણ લોકો નવસારી આવી રહ્યા છે. નવસારીના ધારાસભ્ય બહારથી આવતા લોકોને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી સ્કૂલમાં અને શહેરી વિસ્તારના લોકોને ઇટાળવા સ્થિત છાત્રાલયમાં કોરોન્ટાઇન કરવાની તંત્રને સૂચના આપી છે. જ્યારે જિલ્લા પોલીસ દ્વારા વિજલપોરની અમરદીપ સોસાયટીમાં બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરા ગોઠવી સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇન કરાયો છે. સાથે જ શહેરીજનોને સતર્કતા રાખી નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ છે.