- આદિવાસી આગેવાનોને ડિટેન કરતા ઠાલવ્યો હતો ઉગ્ર રોષ
- અનંત પટેલની વિરોધ પ્રદર્શન દરમિયાન ઉનાઈથી અટકાયત
- મૃતક યુવાનોના પરિવારે આંદોલનથી હાથ ખંખેર્યા
નવસારી: ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડ ન થતા આદિવાસી આગેવાનોએ આક્રોશ સાથે ત્રણ દિવસના પ્રતીક ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો પરંતુ આદિવાસીઓ આજે સવારે ધરણા યોજે એ પૂર્વે જ પોલીસે આદિવાસી આગેવાનોને ડિટેન કર્યા હતા. જોકે આંદોલન નિષ્ફળ બનાવવા સામે આદિવાસીઓએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં સુરત IG સાથે થયેલી વાત બાદ ત્રણ દિવસનો ધરણા કાર્યક્રમ સમેટી લેવામાં આવ્યો છે.
ધરણા પ્રદર્શન પૂર્વે જ આદિવાસી નેતાઓને કરાયા ડિટેન
ચીખલી પોલીસ મથકમાં ગત 21 જુલાઇની વહેલી સવારે ડાંગના બે આદિવાસી સબંધ યુવાનોએ એક જ વાયરથી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર પ્રકરણમાં પોલીસ અને જ્યુડિશિયલ તપાસ બાદ પોલીસ મથકના PI, PSI સહિત 6 પોલીસ કર્મી સામે હત્યા, અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પરંતુ ઘટનાને બે મહિના વિત્યા બાદ પણ જિલ્લા પોલીસ હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડ કરી શકી નથી. જેના કારણે આદિવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ
આગેવાનોને ડિટેઈન કરી લેતા આદિવાસીઓમાં ઉગ્ર રોષ
જેથી આદિવાસી નેતા અને કોંગી ધારાસભ્ય અનંત પટેલ તેમજ અન્ય આદિવાસી સંગઠનોએ આજથી ત્રણ દિવસો સુધી ચીખલી ખાતે હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડની માગ સાથે પ્રતિક ધરણાં યોજવાની જાહેરાત કરી હતી. આજે આદિવાસીઓ ચીખલીમાં ધરણા પ્રદર્શન યોજે એ પૂર્વે જ જિલ્લા પોલીસે અલગ-અલગ સ્થળોએથી આદિવાસી આગેવાનોને ડિટેઈન કરી લેતા આદિવાસીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેમાં ચીખલીના ખાંભડા ગામે રહેતા અને રૂઢિગત મહા ગ્રામ સભાના પ્રમુખ રમેશ પટેલે મૃતક આદિવાસી યુવાનોને ન્યાય અપાવવા માટે અન્ન જળનો ત્યાગ કરવા સુધીની પણ ચિમકી આપી દીધી હતી.
સુરત રેન્જ IGP સાથે બેઠકની ખાતરી મળતા આંદોલન સમેટી લેવાયું
બીજી તરફ ઉનાઈ ખાતે ધારાસભ્ય અનંત પટેલે સમર્થકો સાથે રસ્તા પર બેસીને વિરોધ કરતા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે અનંત પટેલની અટકાયત કરી, તેમને નવસારીના જલાલપોર પોલીસ મથકે લઇ આવી હતી. દરમિયાન જિલ્લા પોલીસ વડા અને સુરત રેન્જ આઇજી સાથે ધારાસભ્ય અનંત પટેલની વાત કરાવતા 24 સપ્ટેમ્બરે રેન્જ આઇજી અને ધારાસભ્ય અનંત પટેલની બેઠક ગોઠવવામાં આવી છે. સાથે સમગ્ર પ્રકરણની ત્રણ સ્તરેથી તપાસ થતી હોવાનું અને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન હોવાનુ જણાવતા ધારાસભ્ય અનંત પટેલે ત્રણ દિવસના ધરણા પ્રદર્શનને સમેટી લીધા હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ.
આ પણ વાંચો: Etv Bharatમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ મૃતકના પરિવારજનોને એક દિવસમાં ડેથ સર્ટીફિકેટ મળ્યું
મૃતક રવિના ભાઈએ લીધો યુ ટર્ન
ચીખલી પોલીસ મથકમાં પોલીસ કર્મીઓને હાથે મોતને ભેટેલા રવિ જાદવના ભાઈ નિતેશ જાદવે થોડા દિવસો અગાઉ પોલીસની તપાસ સામે પ્રશ્નાર્થ ઉઠાવી આરોપીઓની ધરપકડ ન કરાતા મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી અને ન્યાય ન મળે તો આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પખવાડિયા બાદ રવિ જાદવના પરિવારને પોલીસે સરકાર દ્વારા જાહેર ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય આપ્યા બાદ, નિતેશ જાદવે યુ ટર્ન મારી પોલીસ તપાસ સામે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ વીડિયો અને પ્રેસનોટના માધ્યમથી આદિવાસી સંગઠનો અને રાજકીય પક્ષ તેમના પરિવારને બદનામ કરતા હોવાના આક્ષેપો સાથે જ આજના ધરણા પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા ન હોવાનું નિવેદન આપ્યુ હતુ. જોકે તેમ છતાં આજે કોંગી ધારાસભ્ય અને આદિવાસી આગેવાનોએ આદિવાસી સમાજના યુવાનો હોવાથી ન્યાયની માગ સાથે ધરણા કરવાની તૈયારી કરતા પોલીસે જિલ્લામાંથી ત્રણ મહિલા સહિત કુલ 60 લોકોને ડિટેન કર્યા હતા. જેમાં કોંગ્રેસ સાથે BTTP અને આપના કાર્યકરોનો સમાવેશ થાય છે.