નવસારી: ગુજરાત સરકારે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા રાજ્યની 11 નગરપાલિકાઓમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવા 13.61 કરોડ રૂપિયાના ખર્ચે સોલાર પ્લાન્ટ નાંખવાની મંજૂરી આપી છે. જેમાં સમાવિષ્ટ નવસારી અને વિજલપોર નગરપાલિકાઓના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગુજરાત એનર્જી રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ( જર્મી )ના બે પ્રતિનિધિઓએ સ્થળ મુલાકાત લીધી હતી.
નવસારીના દુધિયા તળાવ નજીકના મુખ્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત જલાલપોર અને ઘેલખડી ખાતે તેમજ વિજલપોર પાલિકામાં ચંદન તળાવ પાર બનેલા ફિલ્ટરેશન પ્લાન્ટ પરિસરમાં સર્વે કર્યો હતો. જ્યા બન્ને પાલિકાઓની વીજળીની ખપતને ધ્યાને લઈને કેટલા કિલો વોટ સોલાર પેનલો લાગશે, તેનો તાળો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરીજનોને લાખો-કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરૂં પાડતી નવસારી અને વિજલપોર પાલિકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન કરતા બન્ને પાલિકાઓને વીજ બીલમાં મોટો ફાયદો થશે અને બન્ને પાલિકાઓ બચતની રકમનો અન્ય કાર્યમાં ઉપયોગ કરી શકશે.