નવસારીઃ જિલ્લામાં નગર પાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય, સફાઈ, પાણી સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ કોરોનાની મહામારીથી નવસારીજનોને બચાવવા માટે રાત દિવસ કાર્યરત છે.

જેમાં કામચલાઉ, ફિક્સ વેતન, રોજમદાર સહિતના 10 હજાર રૂપિયાથી ઓછો પગાર ધરાવતા 400 કર્મચારીઓ માટે નવસારી નગરપાલિકા કમર્ચારી યુનિયન દ્વારા ઘઉં, ચોખા, તેલ, પૌઆ, ચા, ખાંડ, કાંદા, બટાકાની રાશન કીટ તૈયાર કરવામાં આવી હતી.

જેને પરિવારની ચિંતા કર્યા વગર અવિરત કામ કરતા પાલિકાના કર્મીઓને તેમના ઘર સુધી રાશન કીટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગુરુવારે પાલિકાના ફાયર સ્ટેશન પર નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈ તેમજ પાલિકા પ્રમુખ કાંતિ પટેલ, સીઓ દશરથસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં 10 કર્મચારીઓને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી.

લોક ડાઉનની સ્થિતિમાં જયારે શહેરનાં રસ્તાઓ સુમસામ છે, ત્યારે તમામ રસ્તાઓ અને ગલીઓ તેમજ જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવાની બીજીવારની કામગીરી આરંભાઈ છે. જેમાં હિંમત દાખવી અવિરત કાર્યરત સફાઈ કર્મચારીઓની કામગીરીને પાલિકાએ બિરદાવી હતી.