નવસારી: શહેર કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું છે. નવસારી વિજલપુર શહેર કોંગ્રેસના પ્રમુખ જગમાલ દેસાઈ પ્રમુખ પદ છોડવા સાથે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસના ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કોંગ્રેસ છોડતા તેમના સમર્થનમાં ભાઈ જગમલ દેસાઈએ પણ કોંગ્રેસને રામ રામ કહી દીધું છે.
તમામ હોદ્દાએથી રાજીનામુ: નવસારી શહેર અને જિલ્લામાં આમ તો કોંગ્રેસનું સંગઠન વેરવિખેર પરિસ્થિતિમાં છે. કોંગ્રેસના જૂના નેતાઓ સુષુપ્ત અવસ્થામાં છે અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપે તેવું નેતૃત્વ શહેર અને જિલ્લા કોંગ્રેસ માટે જરૂરી બન્યું છે. શહેરના પ્રમુખ અને હીરાના વેપારી જગમાલ દેસાઈએ કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી પોતાનું રાજીનામું આપી દીધું છે. આમ તો છેલ્લા લાંબા સમયથી ગોવા રબારી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ પક્ષમાં જતા હોવાની વાત ચર્ચા હતી અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપશે તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી હતી.
'મને ફોનથી જાણ કરવામાં આવી છે. એક મહિના પહેલા અમોએ આગેવાનો સાથે મિટિંગ કરીને નિર્ણય લીધો હતો કે તેમની જગ્યા પર અન્ય વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવશે. જગમાલ ભાઈએ એકપણ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કર્યું નથી. દર ચૂંટણી વખતે તેઓ તેમના ભાઈને મદદ કરવા ડીસા જતા રહે છે. ઘણા સમયથી તેઓ સંગઠન પર પણ ધ્યાન આપતા ન હતા. જિલ્લા સ્તરે અમે મોટા ફેરફાર કરવા જઈ રહ્યા છે.' -શૈલેષ પટેલ, નવસારી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ
કોંગ્રેસની પ્રતિક્રિયા: બંને ભાઈઓ દ્વારા કોંગ્રેસને રામરામ કરી દેતા સમગ્ર વાતનો અંત આવ્યો છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે શહેર પ્રમુખ માટે અમારી શોધ ચાલુ જ હતી અને થોડા જ કલાકોમાં અમે તેની જાહેરાત પણ કરી દઈશું. જગમાલભાઈ આમ તો ઇલેક્શન વખતે શહેર માટે કોઈ ખાસ કામગીરી કરી શક્યા નહોતા અને તેઓ લાંબા સમયથી નિષ્ક્રિય હતા જેથી તેમના જવાથી પાર્ટી ને કોઈ પણ ફરક પડશે નહી.