નવસારીઃ જિલ્લામાં ડાંગર, શેરડી સાથે જ બાગાયતી પાકોની ખેતી મુખ્ય છે. જ્યારે ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક આપતી ટૂંકા ગાળાની ખેતી કરતા પણ થયા છે. જેમાં ઉનાળાના સમયમાં જ્યાં તરબુચની વધુ માગ હોય છે, ત્યાં હવે જિલ્લામાં તરબુચની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
નવસારી, ગણદેવી, જલાલપોર તાલુકાઓમાં ખેડૂતો ઓછી જમીનમાં તેમજ આંતર પાક તરીકે તરબુચની ખેતી કરી વધુ આવક મેળવતા થયા છે. ગણદેવીના ખાપરીયા ગામના ખેડૂત નિમેષ પટેલે 6 વિઘા જમીનમાં દોઢ લાખ રૂપિયાના ખર્ચે તરબુચની ખેતી કરી હતી, જેમાં ત્રણ મહિનામાં જ નિમેષે 71 ટન તરબુચનું ઉત્પાદન મેળવ્યું છે. જેમાં પણ ખાતર, પાણી પાછળ ઓછો ખર્ચો થવાથી ઓર્ગેનિક તરબુચ થવાને કારણે ભાવ પણ સારો મળ્યો છે. જેમાં 7 લાખથી વધુની આવક થતા અંદાજે 400 ટકાનો નફો મેળવ્યો છે.
ઓર્ગેનિક તરબુચના મોટા વેપારીઓ સાથે જ નાના વેપારીઓમાં પણ વધુ માગ છે. નવસારીમાં રસ્તે શાકભાજી વેચતા નાના વેપારીઓ પણ સ્થાનિક ખેડૂતો પાસેથી તરબુચ લેતા થયા છે. જેને કારણે ખેડૂતોને સ્થાનિક સ્તરે જ બજાર મળી જાય છે. બીજી તરફ તરબુચ મીઠા અને પાણીદાર હોવાથી લોકો ફરી ફરી તરબુચ લેવા આવે છે. જેને કારણે નાના વેપારીઓને પણ સારી આવક થઈ રહી છે. જ્યારે ગ્રાહકો પણ ઓર્ગેનિક તરબુચ માગતા થયા છે.
ઓછા ખર્ચે અને ઓછી જમીનમાં ઉનાળાના ફળ તરબુચની ખેતી કોરોના કાળમાં અન્ય પાકોની સરખામણીમાં સારી આવક આપતા નવસારીના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.