નવસારી : ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની આંશિક અસર નવસારીના દરિયા કાંઠે પર જોવા મળી છે ઉભરાટના દરિયા કિનારે આજે વહેલી સવારે 10 થી 15 ફૂટ મોજા ઉછળ્યા હતા અને સાથે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો. વાવાઝોડાના દશકના માહોલ વચ્ચે પણ નવસારીના ઐતિહાસિક બીચ દાંડી પર સહેલાણીઓ ઉમટી પડ્યા હતા જેઓને ત્યાંના ફરજ પરના સુરક્ષાકર્મીઓએ પરત મોકલ્યા હતાં.
દરિયા કિનારે ન જવા માટે અપીલ :હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરીયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે.
આજે વહેલી સવારે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો 10 થી 15 ફૂટ મોજા ઉછળ્યા હતા જેને લઈને દરિયાનું પાણી ગામની હદ સુધી પહોંચી ગયું હતું..નીલેશભાઇ(ઉભરાટના ડેપ્યુટી સરપંચ)
સતત મોનિટરિંગ : નવસારી જિલ્લાના બીલીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાઇ છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.
દરિયાનું પાણી ગામની હદ સુધી : હવામાન વિભાગે 10 થી 12 જૂન સુધી વાવાઝોડાની આગાહી કરી છે જેને લઈને આજે બિપરજોય વાવાઝોડાની આંશિક અસર દાંડી અને ઉભરાટના દરિયા પર વર્તાય છે. આજે સવારે ઉભરાટના દરિયા ખાતે કરંટ સાથે 10 થી 15 ફૂટ મોજા ઉછળતા દરિયાનું પાણી ગામની હદ સુધી પહોંચી ગયું હતું.
લોકોને સમજાવી પાછાં મોકલાયા : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લઈને નવસારી અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા તારીખ 10 થી 12 સુધી નવસારીના બે મહત્વના બીચ દાંડી અને ઉભરાટ બીચ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આજે વહેલી સવારે વાવાઝોડાના ભય વચ્ચે પણ દાંડીના દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે ઉમટી પડ્યા હતાં. જેઓને ફરજ પરના સુરક્ષાકર્મીઓએ સમજાવીને પરત મોકલ્યા હતાં.